યુપી કોર્ટ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી ૭ જૂને કરશે
સુલતાનપુરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ૨૦૧૮ના માનહાનિ કેસમાં અહીંની એક સાંસદ-ધારાસભ્ય કોર્ટે ૭ જૂને સુનાવણી નક્કી કરી છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ ભાજપના નેતા વિજય મિશ્રાએ કરી હતી. ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ કોર્ટમાં અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે અને કોર્ટમાં હાજર થવા માટે સમયની જરૂર છે. જજ શુભમ વર્માએ સુનાવણીની આગામી તારીખ ૭ જૂન નક્કી કરી છે.
ફરિયાદીના વકીલ સંતોષ કુમાર પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે ગાંધી કોર્ટથી ભાગી રહ્યા છે. કોર્ટે ગયા ડિસેમ્બરમાં ગાંધી વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના નેતાએ ૨૦ ફેબ્રુઆરીએ અમેઠીમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રા અટકાવી દીધી હતી અને કોર્ટમાં હાજર થયા હતા. બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ઈન્ડી સરકાર અગ્નિપથ યોજના રદ કરશે, મહિલાના ખાતામાં દર મહિને રૂ. 8,500 મોકલશે: રાહુલ ગાંધી
નોંધનીય છે કે બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સમાં શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ગાંધી વિરુદ્ધ ૪ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ અહીં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.