રાહુલ ગાંધીએ રાયબરેલી અને કિશોરી લાલ શર્માએ અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત અમેઠીના કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમેઠી મારા દિલમાં છે. અમે અહીં 40 વર્ષથી સેવા કરીએ છીએ અને હું આદેશનું પાલન કરી રહ્યો છું.
બંને બેઠકો પર 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન
આ પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ આખરે બે મહત્વની બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી . આ વખતે રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધીના નજીકના ગણાતા કિશોરી લાલ શર્માને અમેઠીથી ટિકિટ આપવામાં આવી છે. આ બંને બેઠકો પર 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. રાહુલ ગાંધી સામે ભાજપના દિનેશ સિંહ મેદાનમાં છે. જ્યારે અમેઠી બેઠક પર ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની મેદાનમાં છે.
રાહુલ ગાંધી 2004થી સતત ત્રણ વખત અમેઠીથી સાંસદ હતા
વાસ્તવમાં, રાહુલ ગાંધી 2004થી સતત ત્રણ વખત અમેઠીથી સાંસદ હતા. પરંતુ તેઓ 2019માં ભાજપ નેતા સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. રાહુલ ગાંધી હાલમાં કેરળના વાયનાડથી સાંસદ છે અને તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક જીતી હતી. આ વખતે પણ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે.રાયબરેલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ 2004 થી 2024 સુધી સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.
ALSO READ: રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડતા સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાહુલ ગાંધી સમજી વિચારીને પગલાં ભરે છે : જયરામ રમેશ
કોંગ્રેસ પાર્ટીએ તેને રાહુલને રાયબરેલીથી ચૂંટણી લડાવવાની રણનીતિનો એક ભાગ ગણાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીનું રાયબરેલીથી ચૂંટણી લડવું એ રણનીતિનો એક ભાગ છે. તેમણે કહ્યું કે માત્ર અમેઠી અને રાયબરેલી જ નહીં. સમગ્ર દેશ ગાંધી પરિવારનો ગઢ છે. રાહુલ ગાંધી સમજી વિચારીને પગલાં ભરે છે. રાયબરેલી બેઠક વારસો નથી પણ જવાબદારી છે.