‘બાય-બાય કેસીઆર!’ રાહુલે કર્યો તેલંગણાના સીએમ પર કટાક્ષ, ભાજપની પણ કરી ટીકા
હૈદરાબાદ: તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે. સત્તા મેળવવા માટે તમામ પક્ષો પોતપોતાનું જોર અજમાવી રહ્યા છે. ત્યારે હૈદરાબાદમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીએમ કેસીઆર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ માઇકમાં “બાયબાય કેસીઆર”ના નારા લગાવ્યા હતા, જે પછી તેમના સમર્થકો અને ઉપસ્થિત લોકોએ તેમને નારેબાજીમાં સાથ આપ્યો હતો.
રવિવારે તેલંગાણાના કામારેડ્ડીમાં યોજાયેલી ચૂંટણી રેલીનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ સંબોધન પૂર્ણ થયા બાદ માઇક પાસે આવીને ‘બાય-બાય, કેસીઆર’ એમ કહીને જનતાનો આભાર માની રહ્યા છે. આ દ્વારા તેઓ ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
રાહુલે કેસીઆર સહિત ભાજપ પર પણ આક્ષેપ કર્યા હતા. ભાજપે તેલંગાણામાં ચૂંટણી રેલીઓમાં પછાત નેતાઓને મુખ્યપ્રધાન બનાવવાનો વાયદો કર્યો હતો, જેના જવાબમાં રાહુલે કહ્યું કે ‘પહેલા ભાજપ 2 ટકા બેઠકો તો જીતે અને પછી મુખ્યપ્રધાન બનાવવાની વાત કરે.’ કોંગ્રેસે તેલંગાણામાં જે વચનો આપ્યા છે તેમાં 6 ગેરંટીઓની વાત કરી છે, જેમાં લાભાર્થી મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગેસ સિલિન્ડર માટે 500 રૂપિયા, 200 યુનિટ મફત વિજળી અને વરિષ્ઠ નાગરિકોને 4000 રૂપિયા માસિક પેન્શનની જાહેરાત કરવામાં આવી હતી.
તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કુલ પાંચ પક્ષો ભાગ લઇ રહ્યા છે. તેલંગાણાના રાજકારણમાં સૌથી વધુ દબદબો ધરાવતો કોઇ પક્ષ હોય તો તે છે ટીઆરએસ-તેલંગાણા રાષ્ટ્ર સમિતિ જે હવે ભારત રાષ્ટ્ર સમિતિના નામે ઓળખાય છે. સ્વાભાવિકપણે જ ટીઆરએસ હાલમાં સત્તાસ્થાને બેઠેલું છે, અને પક્ષના સુપ્રીમો કે. ચંદ્રશેખર રાવ તેલંગાણાના મુખ્યપ્રધાન છે. અન્ય જેટલા પણ પક્ષો છે તેમનું નામ ટીઆરએસ બાદ જ લેવાય છે. ભાજપ અને કોંગ્રેસને તો ખાસ પરિચયની જરૂર નથી. એટલે તેમના સિવાય જે પક્ષો મેદાનમાં છે તેની વાત કરીએ.
ટીઆરએસ બાદ ટીડીપી એટલે કે વધુ એક સ્થાનિક પક્ષ કે જેનો મુખ્યત્વે આંધ્રપ્રદેશમાં પ્રભાવ જોવા મળે છે, આ ટીડીપી એટલે કે તેલુગુ દેશમ પાર્ટી, જેની સ્થાપના એન.ચંદ્રાબાબુ નાયડુએ કરી હતી. આંધ્રપ્રદેશથી તેલંગાણા છુંટૂ પડ્યુ તે પહેલા ટીડીપીનું તેલંગાણાના રાજકારણમાં ઘણું વર્ચસ્વ હતું. જો કે અલગ તેલંગાણા રાજ્યની રચના થયા બાદથી જાણે ટીડીપી હાંસિયામાં ધકેલાઇ ગયું છે. વર્ષ 2018ની ચૂંટણીમાં ટીડીપી 13 બેઠકો માટે લડ્યું હતું જેમાંથી માંડ 2 બેઠકો તેને મળી હતી.
તેલંગાણા રાજ્ય મુખ્યત્વે મિશ્ર વસ્તી ધરાવે છે, દક્ષિણ ભારતીય હિંદુ-તેલુગુ, તથા અન્ય મુસ્લીમ સહિતની અન્ય લઘુમતીઓ. તેલંગાણાની મુસ્લિમ વસ્તીમાં એઆઇએમઆઇએમ પક્ષનું વર્ચસ્વ છે. અસદુદ્દીન ઓવૈસી એઆઇએમઆઇએમના સ્થાપક છે. ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન એ ત્રીજો સ્થાનિક પક્ષ છે જે ત્યાંના રાજકારણમાં મહત્વ ધરાવે છે. કારણકે મુસ્લીમ મતોના વિભાજનમાં આ પક્ષ ભૂમિકા ભજવે છે. તેલંગાણામાં ખાસ કરીને હૈદરાબાદમાં એઆઇએમઆઇએમ મોટાપાયે સક્રિય છે.