મહાકુંભમાં રાહુલ ગાંધીની હિંદુ ધર્મમાંથી બહિષ્કાર કરવાની માગ ઉઠી
મહાકુંભ મેળામાં જગતગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં આયોજિત પરમ ધર્મ સંસદમાં રવિવારે રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો છે. ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત મનુસ્મૃતિ વિરુદ્ધ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનને સંતો અને વિદ્વાનોએ ગંભીરતાથી લીધું છે અને તેમના પર આરોપ મૂક્યો છે કે રાહુલ ગાંધી વીડિયોમાં એવું નિવેદન આપી રહ્યા છે કે મનુસ્મૃતિ બળાત્કારીઓને રક્ષણ આપે છે. આ મામલે મહાકુંભમાં આયોજિત પરમ ધર્મ સંસદમાં રાહુલ ગાંધીને હિંદુ ધર્મમાંથી બહાર કાઢવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ધર્મ સંસદમાં અમેરિકન વહીવટી તંત્રના હિન્દુ વિરોધી કાર્યોની પણ સખત નિંદા કરવામાં આવી હતી.
શું હતો મામલો?:-
રાહુલ ગાંધીએ લોકસભામાં હાથરસ ગેંગરેપની ઘટનાનો ઉલ્લેખ કરતા આવું નિમ્ન કક્ષાનું નિવેદન હતું. તેમણે કહ્યું હતું કે ગેંગરેપ કરનારા બહાર ફરે છે અને છોકરીનો પરિવાર ઘરમાં બંધ છે કારણ કે ગુનેગારો તેમને ધમકી આપે છે. બંધારણમાં એવું ક્યાંય નથી લખવામાં આવ્યું કે બળાત્કારીઓ બહાર ફરે અને જેની પર બળાત્કાર થયો છે તે ઘરમાં બંધ થઈને રહે. તમારા મનુસ્મૃતિ પુસ્તકમાં આવું લખાયું હશે પરંતુ બંધારણમાં આવું ક્યાંય લખાયેલું નથી.
મનુસ્મૃતિ એક કરોડો હિન્દુઓની શ્રદ્ધાનો આદરણીય ગ્રંથ છે. આ ગ્રંથ વિશે રાહુલ ગાંધીએ અપમાનજનક ટિપ્પણી કરી છે, જેના કારણે સંતો અને ધર્મગુરુઓ રોષે ભરાયા છે.
આ પણ વાંચો : મહાકુંભઃ પૂર્ણિમા પૂર્વે પ્રયાગરાજ સ્ટેશન કરાયું બંધ, જાણો શા માટે લીધો નિર્ણય…
સર્વ ધર્મ સંસદે શું કહ્યું?:_
સર્વ ધર્મ સંસદે રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે ગંભીર વાંધો વ્યક્ત કરતા માંગણી કરી હતી કે તેઓએ એક મહિનાની અંદર પોતાનું નિવેદન પાછું ખેચવું જોઈએ. રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો એક મહિનાની અંદર તેઓ પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો તેમને હિંદુ ધર્મમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવશે એમ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું.