Bharat Jodo Nyay Yatra: ‘ટૂંક સમયમાં રાહુલના બોડી ડબલનું નામ જાહેર કરીશ’, હિમંતા બિસ્વા સરમાનો દાવો

ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી તેમના ‘બોડી ડબલ’નો ઉપયોગ કરી રહ્યા છે. હવે સરમાએ શનિવારે નિવેદનમાં કહ્યું કે તેઓ રાહુલ ગાંધી દ્વારા કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા ‘બોડી ડબલ’નું નામ અને સરનામું જાહેર કરશે.
સરમાએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી તેમની બસની મુસાફરી દરમિયાન ‘બોડી ડબલ’નો ઉપયોગ કરી રહ્યા હતા, જે વ્યક્તિ બસમાં બેઠો હતો અને બારીમાંથી લોકો સામે હાથ હલાવી રહ્યો હતો, તે રાહુલ ગાંધી નથી તેના જેવો દેખતો કોઈ શખ્સ છે.
સોનિતપુર જિલ્લામાં એક કાર્યક્રમમાં રાહુલ પર લાગેલા આરોપો વિશે પૂછવામાં આવતાં મુખ્ય પ્રધાને કહ્યું કે, હું માત્ર વાતો નથી કરતો. હું ડુપ્લિકેટ રાહુલનું નામ અને સરનામું ઉપરાંત આ કેવી રીતે કરવામાં આવ્યું તેની સંપૂર્ણ વિગતો શેર કરીશ. બસ થોડા દિવસો રાહ જુઓ.
હિમંતા સરમા એ કહ્યું, “હું આવતીકાલે ડિબ્રુગઢમાં હોઈશ અને બીજા દિવસે પણ હું ગુવાહાટીની બહાર હોઈશ. એકવાર હું ગુવાહાટી પાછો ફરીશ પછી હું ડુપ્લિકેટનું નામ અને સરનામું આપીશ.”
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલના નેતૃત્વમાં મણિપુરથી મહારાષ્ટ્ર સુધી ચાલી રહેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 18 થી 25 જાન્યુઆરી દરમિયાન આસામમાંથી પસાર થઈ હતી.