નેશનલ

ગદ્દાર Vs દુશ્મનઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા રવનીત સિંહ બિટ્ટુને રાહુલ ગાંધીએ કેમ કહ્યા ગદ્દાર, જુઓ વાયરલ વીડિયો

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર ચાલુ થયા પછી એક પણ દિવસ બરાબર રીતે ચાલ્યું નથી. રોજ સંસદની કામગીરી ચાલતી નથી, ત્યાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ પણ આમનેસામને આવી જાય છે. સંસદમાં આજે એક અલગ નજારો જોવા મળ્યો હતો. સંસદના મકર દ્વારા પર કોંગ્રેસ સાંસદો વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે ચકમક થઈ હતી.

શું છે મામલો

જ્યારે કેન્દ્રીય રાજ્ય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુ મકર દ્વાર પર પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સાંસદો પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, અહીંથી એક ગદ્દાર જઈ રહ્યો છે જુઓ આનો ચહેરો. રાહુલ ગાંધીએ હાથ મિલાવવાની ઓફર કરતા કહ્યું હતું કે નમસ્તે ભાઈ, મારા ગદ્દાર મિત્ર. ચિંતા ન કરો, તમે પાછા (કોંગ્રેસમાં) આવી જશો.’

રવનીત સિંહ બિટ્ટુએ પણ આપ્યો જવાબ

કેન્દ્રીય પ્રધાન બિટ્ટુએ રાહુલ ગાંધીને “દેશના દુશ્મન…” કહીને સંબોધ્યા હતા. કોંગ્રેસ નેતા પર વળતો પ્રહાર કરતા બિટ્ટુએ તેમની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, તેઓ એવા લોકો સાથે કોઈ સંબંધ રાખતા નથી જેમને તેઓ દેશના દુશ્મન માને છે. આ ઘટના બાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલો થતી જોવા મળી હતી અને ત્યાર બાદ તેઓ પોતપોતાના માર્ગે આગળ વધી ગયા હતા.

કોણ છે રવનીત સિંહ બિટ્ટુ

રવનીત સિંહ બિટ્ટુ પહેલા કોંગ્રેસમાં હતા અને પંજાબ કોંગ્રેસના સિનિયર નેતામાં તેમની ગણના થતી હતી. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને કેન્દ્ર સરકારમાં પ્રધાન બન્યા હતા.
ત્રણ વખત કોંગ્રેસના સાંસદ રહી ચુકેલા બિટ્ટુ પ્રથમ વખત 2009માં આનંદપુર સાહિબથી લોકસભા ચૂંટણી જીત્યા હતા, ત્યાર બાદ 2014 અને 2019માં લુધિયાણાથી વિજેતા બન્યા હતા. 2024માં લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં સામેલ થયા હતા. આ ચૂંટણીમાં તેઓ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ સામે હારી ગયા હતા. ચૂંટણી હાર્યા હોવા છતાં કેન્દ્ર સરકારમાં તેમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

બિટ્ટુ જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. ત્યાર બાદ 20 વર્ષની વયે તેમણે તેમના દાદા અને પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન બેઅંત સિંહને પણ ગુમાવ્યા હતા. 31 ઓગસ્ટ 1995ના રોજ ચંદીગઢમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2007માં રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ બિટ્ટુએ રાજકારણમાં ડગ માંડ્યા હતા.

રાહુલ ગાંધી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

બિટ્ટુ અને રાહુલ ગાંધી વચ્ચે આ પ્રકારની નિવેદનબાજી થઈ હોય તેવું આ પહેલીવાર નથી. સપ્ટેમ્બર 2024માં બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બિટ્ટુએ રાહુલ ગાંધી પર શીખ સમુદાયને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે શીખ કોઈ પણ રાજકીય પક્ષ સાથે બંધાયેલા નથી.
અમેરિકામાં શીખોને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ શીખોને વહેંચવાનો પ્રયાસ કર્યો છે, શીખ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, રાહુલ ગાંધી દેશના નંબર વન ટેરરિસ્ટ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button