ટ્રમ્પ અને ભારત સરકાર વચ્ચેની સંભવિત ટ્રેડ ડીલ વિશે રાહુલે ફરી મોદીને બાનમાં લીધા...

ટ્રમ્પ અને ભારત સરકાર વચ્ચેની સંભવિત ટ્રેડ ડીલ વિશે રાહુલે ફરી મોદીને બાનમાં લીધા…

નવી દિલ્હીઃ લોકસભામાં ઑપરેશન સિંદૂર મામલે ભારત સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના પ્રધાનોએ આ મામલે વિપક્ષના સવાલોના કડક ભાષામાં જવાબ આપ્યા, તો બીજી બાજુ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ મોદી સરકારને પહેલગામ હુમલા માટે જવાબદાર ઠેરવી અને સાથે સાથે યુદ્ધ રોકવામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો હસ્તક્ષેપ હોવાનો પણ દાવો કર્યો.

હવે ફરી રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા જણાવ્યું છે કે તેઓ સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પને જુઠ્ઠા કહી શકયા નથી કારણ કે જો તેઓ આમ કરે તો ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ખોટા પાડી દે. આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે હવે ટ્રમ્પ ભારત સાથેની ટ્રેડ ડીલ મામલે મોદી સરકાર પર દબાણ લાવશે. તેમણે પત્રકારો સાથે વાત કરતા એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે કેવી ટ્રેડ ડીલ થશે તેના પર તમે નજર રાખજો.

લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર પર આરોપ લગાવ્યા કે તેમણે ઑપરેશન સિંદૂર મામલે ગોળગોળ વાતો કરી છે અને સ્પષ્ટ જવાબ આપ્યા નથી.

કેન્દ્ર સરકાર તરફ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકરે ગૃહને જણાવ્યું હતું કે વિશ્વના કોઈ નેતાએ ભારત અને પાક વચ્ચે સંધિ કરાવી નથી. પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામની અપીલ કરી હતી તેમ જ ભારતે જે લક્ષ્યાંક રાખ્યો હતો તે હાંસલ કરી લેતા યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button