
કેન્દ્રના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ઓડિસ્સાના ભુવનેશ્વર ખાતે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘની અધ્યક્ષતામાં યોજાયેલી પશુપાલન અને ડેરી ક્ષેત્રની મોનસુન મીટમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈએ “અમૂલ પેટર્ન” પરનાં સહકારી ડેરી માળખાની વિકાસની સિદ્ધિઓ તેમજ બ્રાન્ડ ફાઈનાન્સ ફૂડ એન્ડ ડ્રીંક, 2024 ના રિપોર્ટ અનુસાર અમૂલને વિશ્વ સ્તર પર સૌથી મજબુત ખાદ્ય અને ડેરી બ્રાન્ડના રૂપમાં મળેલી માન્યતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી કેન્દ્ર સરકારમાં સ્થાપિત કરાયેલા સહકાર મંત્રાલયનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહનાં નેતૃત્વમાં દેશ સહકારી ડેરી ક્ષેત્રે નવા આયામો સિદ્ધ કરશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે વડાપ્રધાનએ “કમ લાગત પ્રાકૃતિક કૃષિ” ને જન આંદોલન બનાવવાનું આહ્વાન કર્યુ છે, આ કૃષિ પદ્ધતિમાં એક દેશી ગાયથી 30 એકર ભૂમિ પર ખેતી કરવાની ક્ષમતાને જોતાં ગુજરાતમાં ખેડૂતને દેશી ગાય આધારિત “કમ લાગત પ્રાકૃતિક કૃષિ” અપનાવવા માટે આપવામાં આવતી પ્રતિ માસ રૂ900/-ની સહાય વિશે જાણકારી અપાઈ હતી.
ભારત સરકારની સહાયથી નેશનલ એનીમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૪૭૬ લાખ પશુઓમાં થયેલ ખરવા-મોવાસા રસીકરણ અને ૨૦ લાખ બ્રુસેલ્લોસીસ રસીકરણ, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ સ્થપાયેલ લેબોરેટરીમાં ઉત્પન્ન કરાયેલ સીમેન ડોઝના ઉપયોગથી ૯૦% થી વધુ વાછરડી/પાડીનો જન્મ થઈ રહ્યો હોવાનો પણ મંત્રીશ્રીએ આ બેઠકમાં ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યમાં સરકારી સંસ્થાઓ પર માત્ર રૂ. 50/-ના મામુલી દરે પશુઓમાં સેક્સડ સિમેનથી કૃત્રિમ ગર્ભાધાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે કરેલ નિર્ણયની જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાગૂ પાડવામાં આવેલ ઝડપી પશુ ઓલાદ સુધારણા માટેની આઈ.વી.એફ. ટેકનોલોજી પશુપાલકો દ્વારા જલ્દીથી અપનાવવામાં આવે તે હેતુથી પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત લાભાન્વિત થઈ રહેલ પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનું ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે તે બાબતની પણ આ જાણકારી આપવામાં આવી હતી.
રાજ્યમાં ૨૧ જિલ્લાઓમાં અમલ કરાયેલ રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ હેઠળ થયેલ કામગીરી, 1 લાખ 75 હજાર પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ ઉપલબ્ધ કરાવવાની અને પશુપાલન- KCC માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી ત્રણ ટકા વ્યાજ સહાય ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પશુપાલકોને વધુ ચાર ટકા વ્યાજ સહાય આપવાની યોજનાની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.
કોવિડ કાળ દરમિયાન શરુ કરવામાં આવેલ એનીમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડને નવીન સ્વરૂપ આપી તેમાં ડેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડને પણ સામેલ કરવા માટે કેન્દ્ર સરકારનો ખાસ આભાર વ્યકત કરવામાં આવેલ, આ સુધારાને કારણે જીલ્લા સહકારી ડેરી સંઘોને અઢી ટકાના બદલે ત્રણ ટકા વ્યાજ સહાયનો લાભ અને ક્રેડીટ ગેરંટી ફંડ અંતર્ગત ક્રેડી ગેરંટી સહાય પણ ઉપલબ્ધ થશે.
ગીર ગાયના મુળ વતન એવા સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર જિલ્લામાં ગીર ઓલાદની ગાયોના વૈજ્ઞાનિક ઢબે ઉછેર અને જતન માટે પોરબંદર જીલ્લાના ધરમપુર, ખાતે ગીર કાઉ સેન્ચ્યુરી તેમજ અમરેલી જિલ્લામાં સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના માટે ભારત સરકાર તફથી મળેલ સહયોગ બદલ ભારત સરકારનો આ તબક્કે ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યના મોબાઈલ વેટરીનરી યુનિટના સંચાલન માટે મંજૂર કરાયેલ પ્રોજેક્ટ સર્વિસ ચાર્જમાં વધારો કરવા, ગુજરાતના દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગની વધુ સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક ડેરી સંશોધન સંસ્થા શરૂ કરવા, નેશનલ લાઈવસ્ટોક મિશનનાં એન્ટરપ્રેન્યોરશીપ ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતનાં મરઘાં ફાર્મની સ્થાપનાની યોજના માટે મરઘાંની લાયક જાતોની યાદીમાં વ્યવસાયિક પ્રચલિત જાતોનો પણ સમાવેશ કરવા સહિતની બાબતો માટે આ તબક્કે રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ મોનસુન મીટમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રીઓ તેમજ સંબંધિત રાજ્યોના સચિવ અને નિયામક કક્ષાના અધિકારીઓને આમંત્રિત કરાયા હતા.
આ પ્રસંગે ગુજરાત પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમાર, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની. એસ. ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.