રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાંથી સસ્પેન્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી…

નવી દિલ્હી: રાજ્યસભાના સસ્પેન્ડેડ સાંસદ રાઘવ ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આજે પોતાના સસ્પેન્શનને પડકાર્યો છે. 11 ઓગસ્ટે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચઢ્ઢા પર દિલ્હી સર્વિસ બિલ અંગે પાંચ સાંસદોની નકલી સહી કરવાનો આરોપ હતો. રાઘવ ચઢ્ઢા સ્પેશિયલ કમિટિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.
પાંચ સાંસદોએ દાવો કર્યો હતો કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ રજૂ કર્યો હતો. વિરોધ નોંધાવનારાઓમાં ભાજપના ત્રણ સાંસદો છે, એક બીજેડીનો અને એક AIADMK સાંસદ પણ સામેલ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ મુદ્દે તપાસની માંગ કરી હતી.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાને આપવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરવાના રાજ્યસભા સચિવાલયના આદેશ બાદ તેમનું સરકારી નિવાસસ્થાન છીનવાઈ જવાનો ખતરો હતો પરંતુ કોર્ટે વચગાળાનો સ્ટે હટાવી લીધો હતો, નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીના પંડારા રોડ પર ટાઇપ-7 બંગલો ફાળવવામાં આવ્યો હતો.