મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં જલ્દી ન્યાય મળે, CJIની મોજુદગીમાં PM મોદીની SCના જજોને અપીલ

નવી દિલ્હીઃ કોલકાતા રેપ કાંડની ચાલી રહેલી સીબીઆઇ તપાસ વચ્ચે પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સામેના ગુનાઓના કેસમાં ઝડપથી ન્યાય મળવો જોઇએ. એના કારણે મહિલાઓની સલામતી વધશે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની હાજરીમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ભારતના લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્રમાં અવિશ્વાસ દર્શાવ્યો નથી. ન્યાય તંત્રને બંધારણનું રક્ષણ માનવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટે એ કામગીરી સુપેરે નિભાવી છે. સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતાં લોકશાહીની માતા તરીકે ભારતનું ગૌરવ વધ્યું છે.
મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ન્યાય આપવામાં વિલંબને દૂર કરવા માટે અનેક સ્તરે કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં ન્યાયિક માળખાના વિકાસ માટે લગભગ 8 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે આઝાદીના સુવર્ણ યુગમાં 140 કરોડ દેશવાસીઓનું એક જ સપનું છે – વિકસિત ભારત, નવું ભારત. આધુનિક ભારત. આપણું ન્યાયતંત્ર આ દ્રષ્ટિનો મજબૂત આધારસ્તંભ છે. ખાસ કરીને આપણું જિલ્લા ન્યાયતંત્ર, તે ભારતીય ન્યાયતંત્રનો પાયો છે. દેશનો સામાન્ય નાગરિક પહેલા ન્યાય માટે જિલ્લા કોર્ટમાં જાય છે. તેથી આ ન્યાયનું પ્રથમ પગલું છે. તે દરેક રીતે કાર્યક્ષમ અને આધુનિક હોવું જોઈએ તે દેશની પ્રાથમિકતા છે.
આ પ્રસંગે વડા પ્રધાને સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષની યાદગીરીમાં સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ, CJI DY ચંદ્રચુડ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલ પણ હાજર હતા.