ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવું કપરું પણ નિવૃતિ વિશે વિચારી રહી નથીઃ સાઇના નેહવાલ
નવી દિલ્હીઃ ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ જાણે છે કે આવતા વર્ષે પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવું મુશ્કેલ હશે, પરંતુ ઇજાઓથી ઝઝૂમી રહેલી આ ભારતીય ખેલાડીનો બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઇરાદો નથી. તે પોતાના કરિયરને નવી ઉર્જા આપવા માટે તમામ સંભવ પ્રયત્નો કરશે.
વારંવાર થતી ઈજાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે હૈદરાબાદની 33 વર્ષની ખેલાડી સાઈના ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી ન હતી અને તેના કારણે તે વિશ્વ રેન્કિંગમાં 55માં સ્થાને સરકી ગઈ હતી.
સાઇનાએ અહીં પત્રકારોને કહ્યું હતું કે જ્યારે પણ હું એક કે બે કલાક પ્રેક્ટિસ કરું છું ત્યારે મારા ઘૂંટણમાં સોજો આવી જાય છે. હું મારા ઘૂંટણને વાળવામાં અસમર્થ છું અને તેથી બીજા સત્રની પ્રેક્ટિસમાં ભાગ લઈ શકતી નથી. ડોક્ટરોએ મને કેટલાક ઈન્જેક્શન આપ્યા છે. અલબત્ત, ઓલિમ્પિક્સ નજીકમાં છે પરંતુ તેના માટે ક્વોલિફાય થવું મુશ્કેલ છે.
તેણે કહ્યું હતું કે હું વાપસી કરવા માટે મારા તરફથી દરેક શક્ય પ્રયાસ કરી રહી છું. ફિઝિયો મને મદદ કરી રહ્યા છે પરંતુ જો સોજો ઓછો ન થાય તો સંપૂર્ણ ફિટ થવામાં થોડો સમય લાગશે. સાઇનાને ગુરુગ્રામમાં આયોજિત થનારી હાર્વેસ્ટ ગોલ્ડ ગ્લોબલ રેસની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાઇ છે.