જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ કાસિમ ગુજ્જર આતંકવાદી જાહેર
ભારત સરકારે (Modi government) લશ્કર-એ-તોયબા (Lashkar-e Taiba)ના આતંકી કાસીમ ગુજ્જરને આતંકવાદી જાહેર કર્યો છે. કાસીમ હાલ પાકિસ્તાન હસ્તકના કાશ્મિરમાં રહે છે. ગૃહ મંત્રાલયે તેને અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો છે. મોહમ્મદ કાસિમ (Mohammad Qasim Gujjar)ને ગૃહ મંત્રાલયે UAPA કાયદો 1967ની કલમ (A)ની પેટા કલમ (1) 35 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.
ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આદેશ જારી કરતાં જણાવ્યું હતું કે ” મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે સલમાન ઉર્ફે સુલેમાન (32)ને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. મોહમ્મદ કાસિમ ગુજ્જર ઘણા લાંબા સમયથી આંતકવાદી પ્રવૃતિઓમાં સામેલ રહ્યો છે. ડ્રોનથી હથિયાર પહોંચાડવા, હથિયારો અને દારૂગોળાની સપ્લાય, IED બ્લાસ્ટ સહિતની ઘણી આતંકવાદી ઘટનાઓમાં તેનું નામ સામે આવ્યું છે. તેનું કાયમી સરનામું અંગરાલા, તહેસીલ માહૌર, જિલ્લા રિયાસી, જમ્મુ છે. હાલમાં તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહે છે.
મોહમ્મદ કાસિમ ગુજ્જર ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓ, બોમ્બ વિસ્ફોટો અને આવા અનેક હુમલાઓમાં ઘણા લોકોના મોત અને ઇજાઓ માટે જવાબદાર છે. આતંકવાદી પ્રવૃતિને લઈને ગૃહ મંત્રાલયે કહ્યું કે મોહમ્મદ કાસિમ ઘણા નવા ટેરર મોડ્યુલમાં સામેલ રહ્યો છે. આ ઉપરાંત, તેણે સોશિયલ મીડિયા અને ઓનલાઈન એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન એપ્લિકેશન દ્વારા લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનું પણ કામ કર્યું હતું.