કારી અબરાર જમાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો, અસદુદ્દીન ઓવૈસી વિશે કહ્યું કે તમારી દુકાન…..
સહારનપુર: જમીયત હિમાયાતુલ ઇસ્લામના પ્રમુખ કારી અબરાર જમાલને અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લેવા માટે શ્રી રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. કારી અબરાર જમાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 24 જાન્યુઆરીના રોજ બપોરે સહારનપુર પહોંચેલા કારી અબરાર જમાલે તેમને આમંત્રણ આપવા માટે શ્રી રામ મંદિર ટ્રસ્ટનો આભાર માન્યો હતો. અયોધ્યામાં યોજાયેલા મહોત્સવ અંગે કારી અબરાર જમાલે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગંગા-જમુની સંસ્કૃતિનું ઉદાહરણ છે.
કારી અબરાર જમાલે કહ્યું હતું કે હું રામ મંદિર ટ્રસ્ટના તમામ લોકોનો આભાર માનું છું. કારણકે એ લોકોએ મને આમંત્રણ મોકલ્યું અને મને ત્યાં બોલાવીને સન્માન આપ્યું. તેમજ પુસ્તકો, વીંટી, પ્રસાદ જેવી ઘણી વસ્તુઓ પણ ભેટમાં આપી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ ઘટનાને ઈતિહાસમાં લખવામાં આવશે કારણકે વર્ષોની લડાઈ બાદ સનાતનીઓએ રામ મંદિરનું ઉદ્ધઘાટન કર્યું અને તેમના આ ભવ્ય કાર્યક્રમમાં પણ ગંગા-જમુની સંસ્કૃતિને જાળવી રાખીને મુસ્લિમ વિદ્વાનોને પણ બોલાવ્યા હતા. આ ભાઈચારાનું ખરેખર ઉત્તમ ઉદાહરણ છે.
આ મારા માટે ઐતિહાસિક અને યાદગાર ક્ષણ હતી. લોકોનું કહેવું છે કે મસ્જિદ તોડીને મંદિર બનાવવામાં આવ્યું હતું પરંતુ મુસ્લિમોને કોર્ટના ચુકાદા પર પૂરો વિશ્વાસ છે. જ્યારે મુસ્લિમને કોર્ટમાંથી ન્યાય મળે છે ત્યારે મુસ્લિમ કહે છે કે કોર્ટે અમારી સાથે ન્યાય કર્યો છે. તો જો એ જ કોર્ટ રામ મંદિરના નિર્માણ માટે ચુકાદો આપી રહી છે તો શું વાંધો છે? સાચો મુસ્લિમ ક્યારેય દંભી ન હોઈ શકે.
આ ઉપરાંત અબરાર જમાલે કહ્યું હતું કે હું અસદુદ્દીન ઓવૈસીને કહેવા માંગુ છું કે જો આ દેશના હિંદુઓ અને સનાતનીઓ મુસ્લિમોની મસ્જિદો અને કબરોના દુશ્મન હોતતો જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે બાજુમાં જ આવેલી હઝરત નુસલામની કબર પણ તોડી નાખતા પરંતુ તે આજે પણ એમજ સુરક્ષિત છે. આજે પણ એ કબરો ત્યાં હાજર છે અને ઘણા લોકો ત્યાં જાય છે, હિન્દુ લોકો પણ ત્યાં જાય છે. આ દેશના હિંદુઓ કબરો અને મસ્જિદોના વિરોધમાં બિલકુલ નથી. આવા બકવાસ નિવેદનો પર જ ઓવૈસી સાહેબની દુકાન ચાલે છે.
તેમજ જ્યારે હું અયોધ્યા ગયો હતો, ત્યારે મને ઘણા ફોન આવ્યા હતા અને મને અલગ અલગ રીતે ધમકાવવામાં આવ્યો હતો. અને કહેવામાં આવ્યું હતું કે તમારા કપાળ પર તિલક કરશે અને તમારી પાસેથી પરાણે જય શ્રી રામના નારા લગાવડાવશે. પરંતુ તેમ છતાં હું ગયો અને સાવ જ વિપરિત મને બહુ જ માનથી બોલાવ્યો. મને એકવાર પણ એવું ન લાગ્યું કે હું બીજા ધર્મના લોકોની વચ્ચે આવ્યો છું. મારા માટે આ ખૂબ જ ગર્વની અને ઐતિહાસિક ક્ષણ હતી.