OMG!ઉદયપુરના ફાર્મ હાઉસમાં જ્યારે આવી ગયો વિશાલકાય અજગર…

રાજસ્થાનમાં હાલમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદ બાદ જંગલી પ્રાણીઓનું શહેરો તરફ આવવું સામાન્ય બની ગયું છે. કોટાની સડકો પર ક્યારેક અજગર ફરતા જોવા મળે છે, તો ક્યારેક બુંદીની સડકો પર સાપ ફરતા જોવા મળે છે, તો ક્યારેક ગામના લોકોના ઘરમાં સાપ આવી જતા હોય છે. તાજેતરમાં જ રાજ્યના ઉદયપુર જિલ્લાની નજીકના કાલરોહી શહેરમાંથી એક અજગરનો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ વીડિયોમાં અજગર લાચાર દેખાઇ રહ્યો છે, કારણ કે તે પ્લાસ્ટિકની નેટમાં ફસાઇ ગયો છે. તમે કલ્પના કરી શકો છો કે 8થી 10 ફૂટ લાંબો અજગર નેટમાં ફસાયો હોય તો કેવો લાગે. ગ્રામ્ય વિસ્તારમાં ઘરો અને ખેતરના પાકને પક્ષી અને આવા જાનવર, જીવજંતુ અને સરિસૃપોથી બચાવવા માટે આવી નેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ અજગરને જોઇને આપણને હોલિવૂડની એનાકોન્ડા ફિલ્મ યાદ આવી જાય એમ છે. |
એનાકોન્ડા માણસને આખેઆખો ગળી જઇ શકે છે. આ અજગર પણ એવો જ વિશાળ હતો. એનાકોન્ડા ફિલ્મ જોતી વખતે લોકોએ જે ડર અને કંપારી અનુભવી હશે એવો જ ડર અને કંપારી આ રિઅલ અજગરને જોઇને છૂટી જાય એમ છે.
આ અજગર પ્લાસ્ટિકની નેટમાં ફસાઇ ગયો હતો, જેમાંથી એને બચાવી લેવામાં આવ્યો હતો. બચાવવા માટે આવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે કાલરોહીના જંગલમાં એક ફાર્મ હાઉસ છે. ત્યાંથી ફોન આવ્યો હતો કે અજગર છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો જોયું કે પક્ષીઓને દૂર રાખવા માટે લગાવવામાં આવેલી પ્લાસ્ટિકની જાળીમાં 8 થી 10 ફૂટ લાંબો અજગર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અમે ભારે જહેમતે જાળી કાપીને એને બહાર કાઢ્યો અને એને જંગલમાં છોડી મૂક્યો હતો. જો એને બચાવ્યો ના હોત તો તે મરી જ ગયો હોત. તમે એનો વીડિયો જુઓ. પ્લાસ્ટિક નેટમાં ફસાઇ જવાથી એ ઘણી જગ્યાએ ઘાયલ પણ થયો હતો.