નેશનલ

PVC આધાર કાર્ડ કઢાવવાના છો? પહેલાં વાંચી લો આ મહત્ત્વના સમાચાર, નહીંતર…

ભારતમાં આધાર કાર્ડ એ માત્ર એક મહત્ત્વનું ડોક્યુમેન્ટ્સ નથી, પણ દરેક નાગરિકની એક આગવી ડિજિટલ આઈડેન્ટિટી છે. આપણામાંથી ઘણા લોકો ઓરિજિનલ આધાર કાર્ડની સાથે સાથે પીવીસી આધાર કાર્ડ પણ કઢાવે છે. જો તમે પણ પીવીસી આધાર કાર્ડ કઢાવવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલાં તમારે આ સમાચાર ચોક્કસ વાંચી લેવા જોઈએ, કારણ કે હાલમાં જ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા પીવીસી આધાર કાર્ડ મેળવવાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ હવે શું છે નવી પીવીસી કાર્ડ માટેની ફી અને પ્રોસેસ…

પીવીસી આધાર કાર્ડ શું છે?.

પીવીસી આધાર કાર્ડની ફીમાં થયેલાં વધારા અંગે વાત કરીએ એ પહેલાં જાણી લઈએ આખરે આ પીવીસી આધાર કાર્ડ છે શું? પીવીસી આધાર કાર્ડ એટલે એટીએમ કાર્ડ કે પેન કાર્ડ જેવું પ્લાસ્ટિકનું કાર્ડ છે. આ આધાર કાર્ડ કાગળના આધાર કાર્ડ કરતા વધુ ટકાઉ અને વોટરપ્રૂફ હોય છે. તેને તમે સરળતાથી તમારા વોલેટમાં રાખી શકો છો અને તે લાંબા સમય સુધી ડેમેજ પણ નથી થતું.

ફીમાં વધારો, જાણી લો નવી કિંમત

યુઆઈડીએઆઈ દ્વારા પીવીસી આધાર કાર્ડ બનાવવાની ફીમાં વધારો કર્યો છે. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલાં પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન મંગાવવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે એમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પીવીસી આધાર કાર્ડ બનાવવા માટે રૂપિયા 75ની ફી વસૂલવામાં આવશે. આ 75 રૂપિયાની ફીમાં કાર્ડનું પ્રિન્ટિંગ, સુરક્ષિત લેમિનેશન અને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘર સુધી પહોંચાડવાનો ખર્ચનો સમાવેશ થાય છે.

આ છે પીવીસી આધાર કાર્ડના સિક્યોરિટી ફીચર્સ

હવે આગળ વધીએ અને વાત કરીએ પીવીસી આધાર કાર્ડના સિક્યોરિટી ફીચર્સ વિશે તો આપણા સામાન્ય આધાર કાર્ડ કરતા પીવીસી આધાર કાર્ડ વધુ સુરક્ષિત છે કારણ કે તેમાં ખાસ સેફ્ટી ફીચર્સ હોય છે-

⦁ ડિજિટલ સિક્યોર QR કોડ: સ્કેન કરતા જ તરત જ વેરિફિકેશન થઈ શકે છે.
⦁ હોલોગ્રામ અને ગિલોશ પેટર્ન: આના કારણે કાર્ડની કોપી કરવાનું મુશ્કેલ છે.
⦁ માઇક્રો ટેક્સ્ટ અને ઘોસ્ટ ઈમેજ: ફોટોની બાજુમાં નાનકડી ઝાંખી ઈમેજ કે જેને ઘોસ્ટ ઈમેજ કહેવામાં આવે છે સુરક્ષા વધારે છે.
⦁ ઇશ્યૂ ડેટ અને પ્રિન્ટ ડેટ: કાર્ડ ક્યારે છપાયું તેની વિગત પણ તેના પર હોય છે.

પીવીસી કાર્ડ કેવી રીતે કઢાવશો?

⦁ પીવીસી આધાર કાર્ડ કઢાવવા માટે સૌપ્રથમ તમારે myaadhaar.uidai.gov.in પર જવું પડશે.
⦁ તમારો 12 ડિજીટનો આધાર નંબર દાખલ કરો.
⦁ મોબાઈલ પર આવેલો OTP નાખીને લોગ ઈન કરો.
⦁ ત્યારબાદ ‘Order Aadhaar PVC Card’ વિકલ્પ પર ક્લિક કરો.
⦁ તમારી ડિટેઈલ્સ ચેક અને નેક્સ્ટ પર ક્લિક કરો.
⦁ હવે 75 રૂપિયાની ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો.
⦁ ફી ચૂકવ્યા પછી તમને એક સ્લિપ મળશે અને થોડા જ દિવસોમાં કાર્ડ તમારા એડ્રેસ પર પોસ્ટ દ્વારા આવી જશે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button