નેશનલ

રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકો: મોદી

નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિરને મામલે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાની નોંધ લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રી રામ ભજન’ હૅશટેગ સાથે રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકવાની દેશવાસીઓને રવિવારે વિનંતી કરી હતી. આ બાબત લોકોમાં લાગણીઓ તેમ જ ભક્તિનું પૂર લાવશે જે લોકોને રામમાં તરબોળ કરશે, એમ તેમણે કહ્યું હતું.

રેડિયો પરથી પ્રસારિત થતા ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એવા અનેક નવા-જૂના કલાકારો છે જેમણે હૃદયસ્પર્શી ભજનોની રચના કરી છે.

અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન અંગે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે રામમંદિર અંગે લોકો વિવિધ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. તમે એ વાતની નોંધ લીધી જ હશે કે છેલ્લાં થોડાં દિવસ દરમિયાન શ્રી રામ અને અયોધ્યા અંગે અનેક નવા ગીતો અને ભજનો રચાયા છે, એમ તેમણે કહ્યું હતું.

આ ઐતિહાસિક ક્ષણમાં કલાકાર વિશ્ર્વના લોકો પોતાની આગવી રીતે ભાગીદાર થઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

મને મનમાં એક વિચાર આવે છે કે આ કલાકારોની રચના શું આપણે સોશિયલ મીડિયા પર ન મૂકી શકીએ? એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘શ્રી રામ ભજન’ હૅશટેગ સાથે વધુમાં વધુ લોકોએ રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકવા જોઈએ.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભરતા’ જેવી બાબતોથી દેશનો મિજાજ પ્રેરિત છે. વર્ષ ૨૦૨૪માં પણ દેશવાસીઓએ આ મિજાજ જાળવી રાખવાની જરૂર છે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

‘મન કી બાત’ના ૧૦૮મા હપ્તાના પ્રસારણમાં તેમણે માનસિક અને શારીરિક આરોગ્ય પર ભાર મૂક્યો હતો અને ‘ફીટ ઈન્ડિયા’ માટેના પ્રયાસના અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
આરઆરઆરના ગીત‘નાટૂ નાટૂ’ અને દસ્તાવેજી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ માટે આ વરસે મળેલા બે ઑસ્કર એવૉર્ડ પર પણ મોદીએ પ્રકાશ પાડ્યો હતો.

આજે વર્ષ ૨૦૨૩ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના ૧૦૮માં એપિસોડમાં દેશવાસીઓને નવા વર્ષની આગોતરી શુભેચ્છા પાઠવી હતી. આ એપિસોડમાં તેમણે ફિટ ઈન્ડિયા, મેન્ટલ હેલ્થ, અઈં, ઇનોવેશન, નારી શક્તિ, સામાજિક નિસ્બત, માતૃભાષા વિષે વાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે અભિનેતા અક્ષય કુમાર અને મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પણ જોડાયા હતા, જેમણે તેમના ફિટનેસ મંત્ર વિષે વાત કરી હતી.

વડા મોદીએ કહ્યું કે, આજે આપણી સંયુક્ત યાત્રાનો ૧૦૮મો એપિસોડ છે. ૧૦૮ નંબરનું મહત્ત્વ, તેની પવિત્રતા ઊંડા અભ્યાસનો વિષય છે. માળામાં ૧૦૮ મણકા, ૧૦૮ વખત જાપ, ૧૦૮ દિવ્ય ક્ષેત્રો, મંદિરોમાં ૧૦૮ પગથીયા…૧૦૮નો આ નંબર અપાર અસ્થા સાથે જોડાયેલો છે. તેથી જ મન કી બાતનો ૧૦૮મો એપિસોડ મારા માટે વધુ ખાસ બન્યો છે.

વડા પ્રધાને કહ્યું કે ભારત ઇનોવેશનનું હબ બની રહ્યું છે. દેશ આત્મનિર્ભરતાની લાગણીથી ભરેલો છે. આ ૧૪૦ કરોડ ભારતીયોની તાકાત છે કે આપણા દેશે આ વર્ષે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારતનો દરેક ખૂણો આત્મવિશ્ર્વાસથી ભરેલો છે. તે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી તરબોળ છે. આપણે ૨૦૨૪માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાની છે.

વડા પ્રધાને કહ્યું કે ભારતનું ઇનોવેશન હબ બનવું એ હકીકતનું પ્રતીક છે કે આપણે હવે અટકવાના નથી. ૨૦૧૫માં આપણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ૮૧મા ક્રમે હતા, આજે આપણો ક્રમ ૪૦મો છે. આ વર્ષે, ભારતમાં ફાઇલ કરાયેલી પેટન્ટની સંખ્યા વધુ છે, જેમાંથી લગભગ ૬૦% સ્થાનિક ભંડોળમાંથી હતી.

ભારતના પ્રયાસોથી, ૨૦૨૩ને ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ તરીકે ઉજવવામાં આવ્યું. આનાથી આ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને ઘણી તકો મળી છે.

મન કી બાત કાર્યક્રમ દરમિયાન ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે કહ્યું, હું ફિટનેસ વિશે જેટલો ઝનૂની છું, તેના કરતાં હું પ્રાકૃતિક રીતે ફિટ રહેવા માટે વધુ છું. ફેન્સી જીમ કરતાં મને બહાર તરવું, બેડમિન્ટન રમવું, સીડીઓ ચડવું, માટી પર કસરત કરવી અને સારું હેલ્ધી ફૂડ ખાવું ગમે છે. હું માનું છું કે જો શુદ્ધ ઘી યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે, પરંતુ આજકાલ ઘણા યુવાનો ચરબીના ડરથી ઘી ખાતા નથી. આપણી ફિટનેસ માટે શું ખરાબ છે અને શું સારું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારી જીવનશૈલીને ડોક્ટરની સલાહ મુજબ બદલો, ફિલ્મ સ્ટારના શરીરને જોઈને નહીં. તમે જેવો દેખાશો, તેને ખુશીથી સ્વીકારો. આજ પછી ફિલ્ટર લાઈફ ન જીવો, ફિટર લાઈફ જીવો.

મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પણ મન કી બાત કાર્યક્રમમાં જોડાઈ હતી અને પીએમ મોદી સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે સતત કસરત અને ૭ કલાકની સંપૂર્ણ ઊંઘ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફિટ રહેવામાં મદદ કરે છે. આ માટે કડક શિસ્તની જરૂર પડશે. જ્યારે તમે પરિણામ મેળવવાનું શરૂ કરો છો, ત્યારે તમે દરરોજ કસરત કરવાનું શરૂ કરશો.

વડા પ્રધાને કહ્યું કે શારીરિક સ્વાસ્થ્યમાં વધતા રસને કારણે, આ ક્ષેત્રમાં કોચ અને ટ્રેનર્સની માગ વધી રહી છે. આનાથી સંબંધિત એક મોટું પાસું માનસિક સ્વાસ્થ્ય છે અને મને એ જાણીને આનંદ થયો કે મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપ્સ જેમ કે ઈંક્ષરશ ઇંયફહ અને ુજ્ઞીિઉજ્ઞતિં માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કામ કરી રહ્યા છે.

આ વર્ષે કાશી-તમિલ સંગમમાં ભાગ લેવા માટે હજારો લોકો તમિલનાડુથી કાશી પહોંચ્યા હતા. ત્યાં મેં તેમની સાથે વાતચીત કરવા માટે પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં) ભાષિણીનો જાહેરમાં ઉપયોગ કર્યો. હું સ્ટેજ પરથી હિન્દીમાં સંબોધન કરી રહ્યો હતો, પરંતુ અઈં ટૂલ ભાષિણી સાથે હોવાને કારણે ત્યાં હાજર તમિલનાડુના લોકો તે જ સમયે તમિલ ભાષામાં મારું સંબોધન સાંભળી રહ્યા હતા.

વડા પ્રધાને મોદીએ કહ્યું, આપણા દેશનો દરેક સમય આપની અદ્ભુત દીકરીઓએ ગર્વથી ભરી દીધો છે. સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારજી આવા વ્યક્તિત્વ છે. સાવિત્રીબાઈ ફુલેએ દીકરીઓ માટે ઘણી શાળાઓ શરૂ કરી અને સમાજ સુધારણામાં યોગદાન આપ્યું. તેમણે મહિલાઓ અને વંચિતો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. જ્યારે મહારાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેણે લોકોની મદદ માટે પોતાના ઘરના દરવાજા પણ ખોલી નાખ્યા. સામાજિક ન્યાયનું આવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે.

રાણી વેલુ નાચિયારનું નામ પણ દેશની અનેક મહાન હસ્તીઓમાંથી એક છે જેમણે વિદેશી શાસન સામે લડત આપી હતી. તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો આજે પણ તેમને વીરા મંગાઈ એટલે કે બહાદુર મહિલાના નામથી યાદ કરે છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું, હું તમને ઝારખંડના એક આદિવાસી ગામ વિશે જણાવવા માગુ છું. આ ગામમાં બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે અને બાળકોને કુડુખ ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કુડુખ ભાષા એ ઓરાઓન આદિવાસી સમુદાયની માતૃભાષા છે અને તેની પોતાની લિપિ પણ છે. આ ભાષા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે.

(એજન્સી)

તમિળનાડુ, લક્ષદ્વીપને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે મોદી
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી જાન્યુઆરી અને ત્રીજી જાન્યુઆરીના તમિળનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે અને આ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એવી માહિતી વડા પ્રધાનના કાર્યાલયે રવિવારે આપી હતી.

બીજી જાન્યુઆરીએ મોદી તમિળનાડુના તિરુચીરાપલ્લીની મુલાકાત લેશે અને ભારતીદાસન યુનિવર્સિટીના ૩૮મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ હશે એવી માહિતી પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)એ આપી હતી. જાહેર સમારોહની વાત કરીએ તો વડા પ્રધાન ઉડ્ડયન, રેલવે, રોડ, ગૅસ, શિપિંગ તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના ૧૯,૮૫૦ કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ કરશે.

મોદી ત્યાર બાદ લક્ષદ્વીપના અગાતી દ્વીપમાં પહોંચશે અને ત્યાં જાહેર સમારોહને સંબોધશે. ત્રીજી જાન્યુઆરીએ મોદી લક્ષદ્વીપની રાજધાની કવરટ્ટીમાં પહોંચશે અને ત્યાં ટેલિકોમ્યુનિકેશન્સ, પીવાના પાણી, સૌરઊર્જા અને આરોગ્ય ક્ષેત્રને લગતા વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ કરશે.

તિરુચીરાપલ્લીમાં મોદી તિરુચીરાપલ્લી આંતરરાષ્ટ્રીય હવાઈમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.

પીએમઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે ૧,૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું બે લેવલ ધરાવતું નવું ટર્મિનલ બિલ્ડિંગ દર વર્ષે ૪૪ લાખ ઉતારુને સેવા આપશે અને ધસારાના સમયે ૩,૫૦૦ યાત્રીઓને સેવા આપશે.

મોદી રેલવેના વિવિધ પ્રકલ્પો દેશને સમર્પિત કરશે જેમાં મદુરાઈ-તૂતીકોરિનના ૧૬૦ કિલોમીટરના વિભાગની રેલ લાઈનને બમણી કરવાનો અને રેલલાઈનના વિદ્યુતીકરણના ત્રણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ રેલ પ્રકલ્પો માલના અને ઉતારુના વહન કરવાની રેલવેની ક્ષમતા વધારશે તથા આર્થિક વિકાસ અને રોજગાર સર્જનમાં વધારો કરશે.

લક્ષદ્વીપમાં મોદી ૧૧૫૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. લક્ષદ્વીપની ઈન્ટરનેટની ધીમી ઝડપને વધારવા કોચી-લક્ષદ્વીપ આઈસલૅન્ડ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેકશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે. વડા પ્રધાને લાલ કિલ્લામાં ઓગસ્ટ ૨૦૨૦ના સ્વાતંત્ર્ય દિનના પ્રવચનમાં આનું વચન આપ્યું હતું. આ પ્રકલ્પ પૂરો થઈ ગયો છે અને આને લીધે ઈન્ટનેટની સ્પીડ ૧૦૦ ગણી વધી જશે. આઝાદી પછી પ્રથમ વાર લક્ષદ્વીપનો સંપર્ક સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ વડે કરાશે (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ