નેશનલ

Ram Mandir: ‘જો PM પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું શું ત્યાં તાળીઓ પાડીશ…?’, પુરીના શંકરાચાર્યએ નારાજગી વ્યક્ત કરી

રતલામ: આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન આ સમારોહને ભવ્ય બનાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે. રામ મંદિરનો પહેલો માળ બનીને તૈયાર છે અને તેને શણગારવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન મોદીને શ્રી રામ જન્મભૂતિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય એ આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે બુધવારે રતલામમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય.


મધ્યપ્રદેશના રતલામમાં ત્રિવેણી કિનારે હિંદુ જાગરણ સંમેલનને સંબોધિત કરવા આવેલા શંકરાચાર્ય નિશ્ચલાનંદે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, ‘જો મોદીજી ઉદ્ઘાટન કરે છે અને પ્રતિમાને સ્પર્શ કરે છે, તો શું હું ત્યાં તાળીઓ પાડીને જયકાર કરીશ? મારા પદની પણ મર્યાદા છે. રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક શાસ્ત્રો મુજબ થવો જોઈએ, આવા આયોજનોમાં શા માટે જાઉં?’


રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલા આમંત્રણ અંગે શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું, ‘મને જે આમંત્રણ મળ્યું છે તેમાં લખ્યું છે કે તમે અને તમારી સાથે માત્ર એક જ વ્યક્તિ કાર્યક્રમમાં આવી શકો. આ સિવાય હજુ સુધી અમારો કોઈપણ રીતે સંપર્ક કરવામાં આવ્યો નથી, જેના કારણે હું કાર્યક્રમમાં જઈશ નહીં.’


તેમણે કહ્યું કે રામ મંદિર પર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે તે ન થવી જોઈએ. આ સમયે રાજકારણમાં કંઈ જ યોગ્ય નથી. પુરીના શંકરાચાર્યએ પણ ધાર્મિક સ્થળો પર બાંધવામાં આવતા કોરિડોરની ટીકા કરી હતી.


સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે આજે તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને પ્રવાસન સ્થળ બનાવવામાં આવી રહ્યા છે. આ રીતે તેમાં આનંદ અને લકઝરીની વસ્તુઓ ઉમેરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે દુનિયાના લોકો ગમે તે ધર્મના હોય, તેમના પૂર્વજો હિન્દુ હતા.


નિશ્ચલાનંદ સરસ્વતી પુરીના પૂર્વમાનયા શ્રી ગોવર્ધન પીઠના હાલના 145મા શંકરાચાર્ય છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો જન્મ 1943માં બિહારના મધુબની જિલ્લામાં થયો હતો. તે દરભંગાના મહારાજાના શાહી પૂજારીના પુત્ર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button