સરપંચના પદ માટે લાગી રહી છે કરોડોની બોલી; ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ…
ચંડીગઢ: હાલ ભલે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીને લઈને આખા દેશમાં ચર્ચામાં હોય પરંતુ તેની વચ્ચે પંજાબમાં સરપંચની ચૂંટણીએ ચર્ચા જગાવી છે. ધારાસભ્ય કે સાંસદની ચૂંટણીને લઈને ખર્ચાને લઈને ઘણા ચર્ચા થાય પરંતુ ક્યારેય સરપંચની ચૂંટણીમાં કરોડોની બોલી લાગી છે. પંજાબમાં સરપંચ પદ માટે ખુલ્લે આમ બોલી લાગી રહી છે. અમુક જગ્યાએ આ બોલી 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચે તમામ 23 જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ લાગી રહેલી બોલીની વિગતો પૂરી પાડવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.
આ પણ વાંચો :સદગુરુના ઈશા ફાઉન્ડેશન પર 150 પોલીસકર્મીઓનો દરોડો, મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ બે બહેનોની તપાસ શરૂ
હવે આ મામલે રાજ્ય ચૂંટણી પંચે હસ્તક્ષેપ કર્યો છે અને તમામ ડીઈઓને પોતપોતાના જિલ્લાના આવા કેસોની માહિતી આપવા જણાવ્યું છે. 15 ઓક્ટોબરે યોજાનારી પંચાયતની ચૂંટણીમાં રાજ્યની 13,237 ગ્રામ પંચાયતો માટે 1.33 કરોડથી વધુ નોંધાયેલા મતદારો મતદાન કરશે.
ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકના ગામ હરદોવાલ કલાનમાં સરપંચના પદ માટે 2 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગામમાં આજે પણ બોલી ચાલુ રહેશે. ભટિંડા જિલ્લાના ગેહરી બટ્ટર ગામમાં આ બોલી રૂ. 60 લાખ સુધી પહોંચી અને ગીદ્દાદાબાહા નજીક કોઠે ચીડિયાનવાલી ખાતે રૂ. 35.50 લાખ પર પૂર્ણ થયું. અહીંના લોકોએ ગામના ગુરુદ્વારામાં મોટું દાન આપવાની યોજના બનાવી છે. મુક્તસર જિલ્લાના વારિંગ ગામમાં એક ઉમેદવારે મહિલાઓને 1100 રૂપિયા અને દરેક વોટ માટે સૂટ આપવાનું વચન આપ્યું છે.
રાજ્ય ચૂંટણી કમિશનર રાજ કમલ ચૌધરીએ મંગળવારે જણાવ્યું હતું કે તેમની કચેરી પ્રક્રિયાના કાયદાકીય અને નૈતિક પાસાઓની તપાસ કરશે. આ તપાસ લોકતાંત્રિક પરંપરાઓના સંદર્ભમાં કરવામાં આવશે. તેમણે તમામ DEO ને પોતપોતાના જિલ્લાઓમાં બનતા કે નોંધાયેલા આવા કિસ્સાઓ પર નજર રાખવા અને તેની જાણ કરવા નિર્દેશ આપ્યો છે.