પંજાબ પોલીસે નાર્કો-ટેરરિઝમ નેટવર્કનો પર્દાફાશ કર્યો, સેનાના ફરાર જવાન સહિત બેની ધરપકડ

ચંદીગઢ: દેશમાં દિલ્હી બ્લાસ્ટ બાદ તમામ રાજ્યની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ ટેરર લિંક સાથે જોડાયેલા લોકોને શોધવાના અને ઝડપવાની શરુઆત કરી છે. જેમાં પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલે નાર્કો-ટેરરિઝમ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
આ ઓપરેશનમાં સેનામાંથી ફરાર જવાન અને તેના સાથીની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ અને 907 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ધરપકડ કરાયેલા શંકાસ્પદો પાકિસ્તાનમાં આતંકવાદી-દાણચોરી નેટવર્ક સાથે સીધા જોડાયેલા હતા.
નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો
આ અંગે વધુ વિગતો આપતાં પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલે બિહારના મોતીહારી જિલ્લાના રક્સૌલ શહેરમાંથી ફરાર સેના જવાન રાજબીર સિંહ ઉર્ફે ફૌજીની ધરપકડ કરી હતી. આ આરોપી નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની તપાસ દરમિયાન, 500 ગ્રામ હેરોઈન અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો.
ચિરાગ પાસેથી 407 ગ્રામ હેરોઈન અને 9mm પિસ્તોલ મળી
આ અગાઉ, પોલીસે તેના સાથી ફાઝિલ્કાના કાશી રામ કોલોનીના રહેવાસી ચિરાગની ધરપકડ કરી હતી. ચિરાગ પાસેથી 407 ગ્રામ હેરોઈન અને 9mm પિસ્તોલ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ચિરાગ રાજબીર માટે કુરિયર તરીકે કામ કરતો હતો.
ફેબ્રુઆરી 2025માં સેનામાંથી ફરાર
ડીજીપીના જણાવ્યા મુજબ, રાજબીર સિંહ વર્ષ 2011 માં ભારતીય સેનામાં જોડાયો હતો. તેમજ અમૃતસર ગ્રામીણના ઘરિંદા પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ નોંધાયેલા જાસૂસી કેસમાં તેમનું નામ આવ્યા બાદ તે ફેબ્રુઆરી 2025માં સેનામાંથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો…પંજાબ પોલીસે બે પાકિસ્તાની જાસૂસોને ઝડપ્યા, સેનાની ગુપ્ત માહિતી લીક હતા કરતાં હોવાનો આરોપ



