આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

‘પૂણે પોર્શ કેસના આરોપીઓને પોલીસ કસ્ટડીમાં પિઝા-બર્ગર આપવામાં આવ્યા’, સુળે અને રાઉતનો આક્ષેપ

પૂણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક સ્પીડિંગ ‘પોર્શ’ કારની ટક્કરથી બે સોફ્ટવેર એન્જિનિયરોના મોતના મામલામાં વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુળે અને શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે આ અંગે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. બંને નેતાઓએ કહ્યું હતું કે આરોપીને પોલીસ સ્ટેશનમાં પિઝા ઓફર કરવામાં આવ્યો હતો અને તેની તપાસ થવી જોઈએ.
સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે સત્તામાં રહેલા લોકોએ એ ખુલાસો કરવો જોઈએ કે પૂણે પોર્શ કાર અકસ્માત કેસમાં કોણે પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Pune Porsche Accident: નબીરાઓ માત્ર 90 મિનીટની અંદર જ આટલા હજાર રૂપિયાનો દારૂ ઢીંચી ગયેલા, જાણો પોલીસે શું કહ્યું

સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે , ‘હું દેવેન્દ્ર ફડણવીસ પાસેથી જવાબ માંગું છું, પોલીસે રાજકીય દબાણમાં આવવું જોઈએ નહીં. પોલીસ પર રાજકીય દબાણ કોણે કર્યું? સત્તામાં રહેલા લોકો જ પોલીસ પર દબાણ લાવી શકે છે. તે છોકરાના જામીન માટે કોણે ફોન કર્યો અને આટલા જઘન્ય ગુના છતાં સગીરને જામીન કેવી રીતે મળ્યા? એ છોકરાને કોણે મદદ કરી? તેને પિઝા અને બિરયાની કોણે ઓફર કરી? સત્ય બહાર આવવું જોઈએ.’

દરમિયાન, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે સરકાર પાસે આ બાબતે પૂણે પોલીસ કમિશનરને સેવામાંથી બરતરફ કરવાની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કિશોરને કસ્ટડીમાં લીધા પછી, તેને પોલીસ સ્ટેશનમાં પિઝા અને બર્ગર પીરસવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પુણે પોલીસે એક અમીર છોકરાને મદદ કરી જેણે 2 યુવાનોનો જીવ લીધો અને હવે વીડિયો સામે આવ્યો છે કે છોકરો દારૂ પીતો હતો. દરેક વ્યક્તિ વાસ્તવિકતાથી વાકેફ હતા, પરંતુ તેમ છતાં તેઓએ તેની મદદ કરી. રાઉતે કહ્યું કે અજિત પવાર જૂથના વિધાન સભ્ય તેની મદદ માટે ત્યાં હાજર હતા. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સંજય રાઉતના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે કિશોરને જ્યારે તે ઘટના બાદ કસ્ટડીમાં હતો ત્યારે તેને પિઝા પીરસવામાં આવ્યો ન હતો.

અગાઉ બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો હતો કે અકસ્માત બાદ અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના ધારાસભ્ય સુનીલ ટિંગારેએ આ મામલે દખલ કરી હતી, તેમણે કહ્યું હતું કે, ‘હું એ પણ જાણવા માંગુ છું કે વિધાન સભ્ય સુનિલ ટિંગારેએ કેવી રીતે દખલ કરી અને જામીન મેળવવામાં મદદ કરી. રાજ્ય સરકાર બેદરકાર અને સંવેદનહીન છે. પછી તે નશામાં ડ્રાઇવિંગનો મુદ્દો હોય કે પુણેમાં ડ્રગ્સની વસૂલાતનો મુદ્દો… આ સરકારને પ્રશ્નો ઉકેલવામાં રસ નથી.’

આ આરોપો પર સુનીલ ટિંગ્રેએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મને સવારે 3.21 વાગ્યે મારા પીએનો ફોન આવ્યો કે મોટો અકસ્માત થયો છે. આ પછી, મને ઘણા કામદારોના ફોન પણ આવ્યા અને વિશાલ અગ્રવાલે કહ્યું કે મેં હંમેશા પબ અને બાર સામે સ્ટેન્ડ લીધો છે. રાજકારણમાં આવતા પહેલા હું વિશાલ અગ્રવાલ સાથે કામ કરતો હતો. આ તેની અને મારી વચ્ચેનો સંબંધ છે. મેં મૃતકના પરિવારને મદદ કરી. હું પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ખોલવાની માંગ કરું છું.

પૂણેના કલ્યાણી નગરમાં નબીરાએ કથિત રીતે મોટરસાઈકલ પર જઈ રહેલા બે સોફ્ટવેર એન્જિનિયરોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બંનેના મોત થયા હતા, પોલીસે દાવો કર્યો હતો કે કિશોર નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. આરોપી કાર ચાલક રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલનો પુત્ર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button