સગીરે જઘન્ય અપરાધ કર્યો હોય તો જામીન ન આપી શકાય, સુપ્રીમ કોર્ટે આપ્યો અપવાદરૂપ ચુકાદો

નવી દિલ્હી: પુણે પોર્શ અકસ્માત કેસ(Pune Porche accident)માં આરોપી સગીર વયનો હોવાથી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ(JJB)એ તેને નિબંધ લખવા જેવી સામાન્ય સજા આપીને છોડી દેતા લોકોમાં રોષનો માહોલ છે. એવામાં સુપ્રીમ કોર્ટ(Supreme court)એ એક જઘન્ય અપરાધના સગીર વયના આરોપીની જામીન અરજી ફગાવીને એક દાખલારૂપ ચુકાદો ચુકાદો આપ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના સગીર જામીન આપવામાં આવે તેવા નિયમ છતાં આ કેસમાં અપવાદ રાખીને સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તરાખંડના સગીર છોકરા પર 14 વર્ષની છોકરીનો અશ્લીલ વીડિયો ફરતો કરવાના આરોપ, વિડીયો વાયરલ થતા છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી.
છોકરીની આત્મહત્યાના કેસના આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 305 અને 509 અને POCSO એક્ટની કલમ 13 અને 14 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ વર્ષે 10 જાન્યુઆરીના રોજ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ હરિદ્વારએ કાયદાનું ઉલ્લંઘન કરનાર સગીરની જામીન અરજી ફગાવી દીધી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે JJBના નિર્ણયને માન્ય રાખ્યા બાદ, છોકરાએ તેની માતા દ્વારા જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને પંકજ મિથલની બેન્ચે ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
સગીર છોકરાના વકીલે દલીલ કરી હતી કે સગીરની સંભાળ રાખવા માટે તેના માતા-પિતા છે, તેને જુવેનાઇલ ગૃહમાં મોકલવાને બદલે તેને માતા-પિતાની સંભાળમાં રાખવો વધુ સારું રહેશે. જો કે સુપ્રીમ કોર્ટે કેસના રેકોર્ડની કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ હાઈકોર્ટના આદેશમાં દખલ ન કરવાનો નિર્ણય લીધો હતો.
Also Read – Pune Porsche accident: આરોપી સગીરના પિતા, બાર મેનેજર, માલિકની ધરપકડ
ગયા વર્ષે, 14 વર્ષીય છોકરી 22 ઓક્ટોબરના રોજ ગુમ થઈ ગઈ હતી અને થોડા દિવસો પછી મૃત હાલતમાં મળી આવી હતી.
છોકરીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે છોકરાએ છોકરીનો અશ્લીલ વીડિયો શૂટ કર્યો હતો અને ક્લિપ્સને અન્ય વિદ્યાર્થીઓમાં સર્ક્યુલેટ કરી હતી. બદનામીના ડરથી, બાળકીએ જીવન ટુંકાવ્યું હતું.
ઉત્તરાખંડ હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર મૈથાનીએ 1 એપ્રિલના રોજ કિશોર વયના આરોપી જામીન નકારતો આદેશ આપ્યો હતો. ન્યાયધીશે કહ્યું કે, ” ચિલ્ડ્રન ઇન કોન્ફલિક્ટ વિથ લો(CIL) માટે દરેક ગુનો જામીનપાત્ર છે અને આવા CIL ગુનાને જામીનપાત્ર કે બિનજામીનપાત્ર તરીકે વર્ગીકૃત કર્યા વિના જામીન મેળવવા માટે હકદાર છે.”
જો કે, જસ્ટિસ મૈથાનીએ ઉમેર્યું કે, “જો CILને મુક્તિ આપવાથી તે કોઈપણ કુખ્યાત ગુનેગારની સંગતમાં આવવાની, તેની નૈતિક, શારીરિક અથવા માનસિક સ્થિતિ જોખમ મુકાઈ તેવી શક્યતા હોય અથવા જો તેને છોડી મુકવાથી ન્યાયને હાની પહોંચે તેમ હોય, તો જામીન નામંજૂર થઈ શકે છે.”
હાઈકોર્ટે કહ્યું કે “સામાજિક તપાસ અહેવાલ, તબીબી તપાસ અહેવાલ, શાળાના અહેવાલને ધ્યાનમાં લીધા પછી, આ અદાલતનું માનવું છે કે જો તેને જામીન આપવામાં ન આવે તો તે બાળકમાં હિતમાં રહેશે. જો તેને જામીન પર છોડવામાં આવે છે, તો તે ચોક્કસપણે ન્યાયને હાની પહોંચશે.”
પુણેનો હાઈપ્રોફાઈલ પોર્શે અકસ્માત કેસ હાઈકોર્ટ સુધી પહોંચે સુધી તેવી શક્યતા, ત્યારે કોર્ટના નિર્ણય પર સૌની નજર રહેશે.