ટોપ ન્યૂઝનેશનલ

વેલેન્ટાઇન વીકમાં રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વાર રેલાશે શરણાઇના સૂર, જાણો કોનો છે સ્વયંવર

આઝાદી પછી પહેલીવાર ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં શરણાઈના સૂર ગુંજી ઉઠશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં તૈનાત પીએસઓ પૂનમ ગુપ્તા અને સીઆરપીએફ અધિકારી અવનેશસિંહને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી મળી ગઈ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂનમના આચરણ અને વર્તનથી ખૂબ પ્રભાવિત થયા છે. જ્યારે તેમને ખબર પડી કે પૂનમ લગ્ન કરવા જઈ રહી છે ત્યારે તેમણે રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં તેના લગ્નનું આયોજન કર્યું છે. પૂનમ ગુપ્તા અને અવનેશસિંહ આ મહિને વેલેન્ટાઈન વીકમાં લગ્ન કરવાના છે. આ લગ્ન સમારોહમાં બહુ જ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ બધા આમંત્રિતોએ પણ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત છે.

કોણ છે પૂનમ ગુપ્તા :-
પૂનમ ગુપ્તા સીઆરપીએફ માં આસિસ્ટન્ટ છે. તેણે 74 માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સીઆરપીએફની મહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. તે મૂળ મધ્યપ્રદેશની છે. તેની પાસે ગણિતમાં સ્નાતકની ડિગ્રી છે. તેણે અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સની ડિગ્રી પણ લીધી છે અને ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટી માંથી બીએડની ડિગ્રી પણ લીધી છે. પૂનમ યુપીએસસી દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાઇ છે. 2018માં તેને સહાયક કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પૂનમ અગાઉ બિહારના નક્સલ પ્રભાવિત એરિયામાં પોસ્ટેડ હતી. પૂનમ ગુપ્તા ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ સક્રિય છે અને તે અવારનવાર તેના સીઆરપીએફ યુનિફોર્મમાં ફોટા પોસ્ટ કરતી હોય છે. તે મહિલા મુદ્દાઓ અને સશક્તિકરણ પ્રત્યે પણ ઉત્સાહી છે. તેની પોસ્ટ દ્વારા તે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતી રહે છે.

કોણ છે તેનો થનાર પતિ અવનેશ કુમારઃ-
પૂનમના ભાવી પતિ અવનીશ સિંહ પણ સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડર છે અવનેશ હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં પોસ્ટેડ છે. આ બંનેના લવ મેરેજ છે.

આ પણ વાંચો…Delhi assembly election: રાષ્ટ્રપતિ મુર્મુ અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું, આતિશી કાલકાજી મંદિર પહોંચ્યા

રાષ્ટ્રપતિ ભવન કેમ ખાસ છે? :-
રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હીના લુટિયન્સ ઝોનમાં આવેલું છે. તે 300 એકર જગ્યામાં ફેલાયેલું છે. રાષ્ટ્રપતિ ભવનને વિશ્વનું સૌથી મોટું દેશના વડાનું નિવાસસ્થાન માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં ચાર માળ છે, જેમાં 340 રૂમ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાન, સંગ્રહાલય, રિપબ્લિક પેવેલિયન અને અશોક પેવેલિયન પણ છે. સામાન્ય લોકો ખાસ પરવાનગી અને સુરક્ષા તપાસ બાદ રાષ્ટ્રપતિ ભવનના કેટલાક વિસ્તારોની મુલાકાત લઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button