નેશનલ

બૅન્ક લોનની ચુકવણી બાદ ૩૦ દિવસમાં પ્રોપર્ટીના દસ્તાવેજ પાછા આપવા પડશે

નવી દિલ્હી: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે તમામ બૅન્કોને આદેશ આપ્યો હતો કે લોનની રકમની સંપૂર્ણ રકમની ચુકવણી થઈ ગયા બાદ સ્થાવર તેમ જ જંગમ મિલકતના મૂળ દસ્તાવેજ ૩૦ દિવસની અંદર પાછા આપી દેવાના રહેશે અને રજિસ્ટ્રી સાથે રજિસ્ટર કરાયેલા તમામ ચાર્જ પણ દૂર કરવા પડશે.
આ આદેશનું પાલન ન કરનાર સંબંધિત બૅન્કોએ વિલંબ બદલ લોનધારકને પ્રતિદિન રૂ. ૫૦૦૦ના દરે વળતર ચુકવવાનું રહેશે, એમ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું.
આરબીઆઈએ એ બાબતની નોંધ લીધી હતી કે લોનધારકો પૂરેપૂરી લોન ચુકવી દે ત્યાર બાદ પણ ધિરાણકર્તા બૅન્કો પ્રોપર્ટીના મૂળ દસ્તાવેજો આપવામાં વિલંબ કરે છે, જેને કારણે એ અંગેના વિવાદો અને ગ્રાહકોની ફરિયાદો વધી રહી છે. લોનની ચુકવણી કરી દેવામાં આવ્યા બાદ મૂળ દસ્તાવેજો પાછા મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને યોગ્ય બનાવવાના ભાગરૂપ આરબીઆઈએ બૅન્કોને લોનની રકમની સંપૂર્ણ રકમની ચુકવણી
થઈ ગયા બાદ સ્થાવર તેમ જ જંગમ મિલકતના મૂળ દસ્તાવેજ ૩૦ દિવસની અંદર પાછા આપી દેવાનો અને રજિસ્ટ્રી સાથે રજિસ્ટર કરાયેલા તમામ ચાર્જ પણ દૂર કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલે કોઈ પણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે તો તેનું કારણ જાણવામાં આવશે, એમ જણાવતાં આરબીઆઈએ કહ્યું હતું કે લોનધારકની પ્રાથમિકતા અને સગવડને ધ્યાનમાં રાખીને તેને પ્રોપર્ટીના મૂળ દસ્તાવેજો બૅન્કની જે તે શાખામાંથી કે પછી દસ્તાવેજો જે કેન્દ્રમાં ઉપલબ્ધ હોય ત્યાંથી મેળવી લેવાનો વિકલ્પ આપવામાં આવશે.
લોનના મંજૂરીપત્રમાં પ્રોપર્ટીના મૂળ દસ્તાવેજો પરત મેળવવાનું સ્થળ અને સમયમર્યાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.
સિંગલ કે સંયુક્ત લોનધારકનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં તેમના વારસોને મૂળ દસ્તાવેજો પાછા આપવાની યોગ્ય પ્રક્રિયા પણ બૅન્કોએ તૈયાર કરી સત્તાવાર વૅબસાઈટ પર મૂકવાની રહેશે.
સંજોગવસાત પ્રોપર્ટીના મૂળ દસ્તાવેજો ખોવાઈ જાય કે તેને નુકસાન પહોંચ્યું હોય તો તેવા સંજોગોમાં લોનધારકને વળતર આપવા ઉપરાંત એવા દસ્તાવેજોની પ્રમાણિત નકલ મેળવી આપવામાં પણ મદદ કરવાની રહેશે.
જોકે, એવા સંજોગોમાં પ્રોપર્ટીના દસ્તાવેજો લોનધારકના પરત કરવાની પ્રક્રિયા પાર પાડવા વધુ ૩૦ દિવસનો સમય આપવામાં આવશે અને દસ્તાવેજો પરત કરવામાં થયેલા વિલંબ બદલ દંડની રકમની ગણતરી ત્યાર બાદ કરવામાં આવશે.
પહેલી ડિસેમ્બર ૨૦૨૩ બાદના તમામ કેસને આ નિયમ લાગુ પડશે, એમ આરબીઆઈએ કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button