નવી દિલ્હી: જે તે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે ઘણી મફતની વસ્તુઓ કે સેવાઓ આપવાની જાહેરાત (Free schemes in States) કરતા હોય છે. જ્યારે ચૂંટણી લડી રહેલી અને પહેલેથી જ સત્તામાં રહેલી રાજકીય પાર્ટીઓની સરકાર વિવિધ યોજનાઓ શરુ કરી દેતી હોય છે, પરંતુ ચૂંટણી પત્યા પછી અને નવી સરકાર બન્યા પછી ચૂંટણી પહેલા આપવામાં આવેલા વચનો પાળવામાં આવતા નથી અને જનતા છેતરાયા હોવાનો અનુભવ કરે છે. કંઇક આવો જ અનુભવ હાલ મહારાષ્ટ્રની લાખો મહિલાઓ કરી રહી છે. આગામી મહિને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, ત્યારે મફતની વસ્તુઓ અને સેવાઓના વચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આવા કેટલાક વચનોના ઈતિહાસ અને હાલની સ્થિતિ પર નજર કરીએ…..
આ પણ વાંચો : ચીન-પાકિસ્તાન ચિંતા વધશે: વડા પ્રધાન મોદી આજે કાશ્મીરમાં આ ટનલનું ઉદ્ઘાટન કરશે, જાણો ખાસિયત…
આ બહેનો હવે ‘લાડકી’ નહીં!
મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના બન્યાના એક મહિનાના સમયગાળામાં જ ‘લાડકી બહિણ’ યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ અને કલ્યાણ પ્રધાન અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે નમો શેતકરી અને ડાયરેક્ટ બેનિફિટ યોજનાઓ હેઠળ જેને લાભ મળી રહ્યો છે એવી મહિલાઓને ‘લાડકી બહિણ’ યોજાનાનો લાભ નહીં મળે.
વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધન દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરની પાત્ર મહિલાઓને 2,100 રૂપિયાનું પેન્શન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ યોજના ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઇ હોવાનું માનવામાં આવે છે. આનાથી મહાયુતિ ગઠબંધનને સત્તામાં બની રહેવા મદદ મળી હતી. પ્રારંભિક અંદાજ મુજબ યોજનામાં આ ફેરફારથી 2.63 કરોડ લાભાર્થીની યાદીમાં 20 લાખની બાદબાકી થઇ જશે, જેનાથી સરકારના રૂપિયા બચશે.
હિમાચલ પ્રદેશ સરકારે પણ ફેરવી તોડ્યું
આવું જ કંઇક હિમાચલ પ્રદેશની કોંગ્રસ પાર્ટીની સરકારે કર્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે 125 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. 1 જાન્યુઆરીના રોજ હિમાચલના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ સ્વેચ્છાએ તેમના નામે વીજળી સબસિડી છોડી દીધી, તેમણે બધા સક્ષમ પરિવારોને પણ સબસિડી છોડવા વિનંતી કરી. આ અપીલનો ઉદ્દેશ્ય રાજ્ય વીજ બોર્ડના ₹ 200 કરોડ બચાવવાનો છે.
આ પણ વાંચો : ભારત-બાંગ્લાદેશ વચ્ચે ‘સંઘર્ષ’ના એંધાણઃ આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાડા ખોદતા BSF સતર્ક…
સરકારી તિજોરી પર વધી રહેલા બોજને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બર 2022 માં સત્તા સંભાળનાર કોંગ્રેસ સરકાર ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસ સરકાર ચૂંટણી પહેલા આપેલા વચનો પૂરા કરવા સંઘર્ષ કરી રહી છે. સરકારે લાભાર્થીઓની યાદીમાં ફેરફાર કરવાનું અને અગાઉની ભાજપ સરકાર દ્વારા શરુ કરાયેલી મફત સુવિધાઓને બંધ કરવાનું શરૂ કર્યું છે.
આંધ્રના મુખ્ય પ્રધાને સ્વીકાર્યું
ઓક્ટોબરમાં એક જાણીતા અખબારનેએક ઇન્ટરવ્યૂમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ સ્વીકાર્યું હતું કે નાણાકીય મુશ્કેલીઓને કારણે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલાં આપેલા છ વચનો પૂરા કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
પંજાબમાં પણ અધૂરા વચનો
પંજાબમાં ત્રણ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ AAP મહિલાઓ માટે દર મહિને ₹1,000 આપવાની યોજના શરુ કરી શકી નથી, જેનું ચૂંટણી પહેલા વચન આપવામાં આવ્યું હતું. નાણાકીય કટોકટીને કારણે આ વચન પૂરું થઇ શક્યું નથી.
આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી લડવા 40 લાખની જરુરઃ આતિશિએ દિલ્હીવાસીઓને ‘દાન’ આપવાની કરી અપીલ
તેલંગણાની જનતા હજુ રાહ જોઈ રહી છે
તેલંગણાની TDP સરકારે મહિલાઓ માટે દર મહિને ₹ 1,500 મહિલાઓ માટે મફત બસ મુસાફરી, ₹ 3,000 માસિક બેરોજગારી ભથ્થું, છોકરીઓના શિક્ષણ માટે ₹ 15,000 વાર્ષિક સહાય અને ખેડૂતોને ₹ 20,000 વાર્ષિક નાણાકીય સહાય જેવા વચનો પૂરા કર્યા નથી.
ઇતિહાસમાં પણ અપાયા છે વચનો
ભારતમાં મફતની વસ્તુની પ્રથા સૌપ્રથમ 1967ની મદ્રાસ ચૂંટણીમાં શરૂ થઈ હતી. ચોખાના મર્યાદિત પુરવઠા અને વધતા ભાવોને કારણે રાજ્યમાં ગંભીર ખાદ્ય સંકટ ઉભું થયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા અન્ના તરીકે જાણીતા સીએન અન્નાદુરાઈના નેતૃત્વ હેઠળના DMKએ ₹1 પ્રતિ કિલોના ભાવે ચોખા આપવાનું વચન આપ્યું હતું. DMKએ 234 વિધાનસભા બેઠકમાંથી 138 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે ફક્ત 50 બેઠક જ જીતી.
અગાઉ બિહારમાં JDU અને ઓડિશામાં BJD સહિત પ્રાદેશિક પક્ષોએ વિદ્યાર્થિનીઓને મફત સાયકલનું વચન આપીને મહિલા મતદારોને આકર્ષ્યા હતાં. જોકે, 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP એ મફત વીજળી અને પાણીનું વચન આપ્યું ત્યારે ભારતીય રાજકારણમાં મફત વસ્તુઓના વચનો આવાનો ટ્રેન્ડ વધ્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AAPની યોજનાઓને ‘મફતની રેવડી’ ગણાવીને તેની ટીકા કરી હતી, પરંતુ ભાજપે પોતે 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પેન્શન ઉપરાંત ઘણી મફતની યોજનાઓનું વચન આપ્યું છે.
આ પણ વાંચો : MP માં નામ બદલાવનો દોર; મુખ્ય પ્રધાને કહ્યું 11 ગામોના બદલાશે નામ…
ચૂંટણી પછી હકીકત સમજાય છે
ગત વર્ષે ભારતમાં 2024માં 18મી લોકસભા અને આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે પક્ષોએ મફત ભેટોની રાજનીતિ જોરશોરમાં ચલાવી હતી. મહિલાઓ માટે પેન્શન, નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ માટે લોન માફી, માસિક બેરોજગારી ભથ્થું અને મહિલાઓ માટે મફત બસ મુસાફરી જેવા લાભોના વચન આપવામાં આવ્યા હતાં. વચનો આપીને પક્ષો સત્તામાં આવ્યા છે, પરંતુ નાણાકીય બોજને કારણે પક્ષોને હકીકત સમજાઈ રહી છે.