અને જય શ્રી રામના નારાથી આખું સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું…

ગાઝિયાબાદ: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાઝિયાબાદની એક એન્જિનિયરિંગ કૉલેજમાં આયોજિત સાંસ્કૃતિક ફેસ્ટિવલ દરમિયાન તેના પ્રદર્શન પહેલાં ‘જય શ્રી રામ’ના નારા લગાવનાર વિદ્યાર્થીને કથિત રીતે એક પ્રોફેસર દ્વારા સ્ટેજ પરથી ઉતારી મૂકવામાં આવ્યો હતો.
ઘટના કંઇક એવી બની કે સ્ટેજ પર હાજર એક વિદ્યાર્થએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા અને જાણે તેના નારાને ઝીલતા હોય તેમ પ્રેક્ષકોમાં બેઠેલા વિદ્યાર્થીઓએ પણ જય શ્રી રામના નારા લગાવાનું શરૂ કર્યું અને આખું સ્ટેડિયમ જય શ્રી રામના નારાથી ગુંજી ઊઠ્યું. આ જોઇને એક મહિલા પ્રોફેસરે સ્ટેજ પર હાજર વિદ્યાર્થીને ત્યાંથી નીચે ઊતરી જવાનું કહ્યું. તેમજ તેણે વિદ્યાર્થીને કહ્યું કે આ પ્રકારના નારા લગાવવા જોઈએ નહીં કારણ કે તે કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો.
વાઇરલ વીડિયોમાં બીજા પ્રોફેસર પણ જોવા મળે છે તે કહી રહ્યા છે કે અમે અહીં કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આવ્યા છીએ, તો પછી શા માટે ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે. આની પાછળ કોઈ તર્ક નથી. જો તમે શિસ્તબદ્ધ રહો તો જ આ ઇવેન્ટ્સ સફળ થઈ શકે છે. આ ઘટના બાદ કોલેજની બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી.
આ ઘટના બાદ એન્જિનિયરિંગ કોલેજના ડાયરેક્ટર કહ્યું હતું કે મારા ધ્યાન પર એક વીડિયો આવ્યો છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ એક વિષય પર અસંમતિ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓનો સવાલ છે, કોલેજ સત્તાવાળાઓ તેમની સામે કોઈ પગલાં લેશે નહીં.