નેશનલ

હાઇકોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા કેટલી સરળ? જજ શેખર કુમાર યાદવને હટાવવા વિપક્ષ થયો તૈયાર

નવી દિલ્હી: હાલ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ વિવાદાસ્પદ નિવેદનથી વિવાદોમાં ઘેરાયા છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એક કાર્યક્રમમાં આપેલા તેમના વિવાદાસ્પદ નિવેદન પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે તો બીજી તરફ હવે ઇન્ડી ગઠબંધન હવે તેમને પદ પરથી હટાવવાની પ્રક્રિયાનો વિચાર કરી રહી છે. હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનેલો છે ત્યારે એ સમજવું જરૂરી બની જાય કે હાઇકોર્ટના ન્યાયધીશને પદ પરથી હટાવાની પ્રક્રિયા માટે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી છે.

બંધારણમાં શું જોગવાઈ?
હાઈકોર્ટના ન્યાયાધીશને પદ પરથી હટાવવા માટે બંધારણની કલમ 124 અને કલમ 218માં જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ ન્યાયાધીશને તેના પદ પરથી ત્યાં સુધી દૂર ન કરી શકાય કે જ્યાં સુધી તેની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદના બંને ગૃહો દ્વારા પસાર ન થાય અને રાષ્ટ્રપતિની સહી ન હોય. આ પ્રસ્તાવ માટે સંસદના બંને ગૃહોના કુલ સભ્યોના ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન આવશ્યક છે.

પ્રસ્તાવ માટે જરૂરી છે સાંસદોનું સમર્થન
ન્યાયાધીશ અધિનિયમ, 1968 અંતર્ગત જો કોઈ ન્યાયાધીશ સામે ગેરવર્તણૂક અથવા અયોગ્યતાના આરોપો પર સંસદના કોઈ એક ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવે છે. આ પ્રસ્તાવ લાવવા માટે લોકસભામાં લઘુતમ 100 સાંસદો જ્યારે રાજ્યસભામાં 50 સાંસદોનુ સમર્થન હોવું જરૂરી છે. ત્યારબાદ પ્રસ્તાવને સ્વીકારવો કે નહીં તેનો વિચાર લોકસભા સ્પીકર કે રાજ્યસભા સભાપતિ કરશે. જો સ્વીકાર કરવામાં આવે તો ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવે છે જે આરોપોની તપાસ કરશે.

તપાસ સમિતિમાં કોનો સમાવેશ?
આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને જાણીતા વકીલનો સમાવેશ થાય છે. સમિતિ આરોપોની તપાસ કરે છે અને ન્યાયાધીશને તેમના બચાવમાં બોલવાની તક આપે છે. તપાસ પૂર્ણ થયા બાદ સમિતિ પોતાનો અહેવાલ કોઈપણ ગૃહના અધ્યક્ષને સોંપે છે. ત્યારબાદ તેઓ આરોપો અને ચુકાદાની સ્થિતિ વિશે તેમનો અભિપ્રાય આપે છે.

Also Read – અતુલ સુભાષની પત્ની અને પરિવારજનો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા

સમિતિના અહેવાલનું મહત્વ
જો સમિતિના અહેવાલમાં ન્યાયાધીશ સામેના આક્ષેપો સાચા ઠરે તો પ્રસ્તાવને સંસદના બંને ગૃહોમાંપસાર કરવામાં આવે છે અને પછી ન્યાયાધીશને પદ પરથી હટાવવા માટે રાષ્ટ્રપતિને ઔપચારિક દરખાસ્ત મોકલવામાં આવે છે. પરંતુ જો સમિતિ અહેવાલમાં જણાવે કે ન્યાયાધીશ પરના આરોપો સાચા નથી તો તેને દૂર કરવાની પ્રક્રિયા અહી જ સમાપ્ત કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button