નેશનલ

PMની ‘ટિપ્સ’ પર પ્રિયંકા ગાંધીનો પલટવાર: ‘મુદ્દા ઉઠાવવા નાટક નથી, બોલવા ન દેવું એ જ નાટક છે!’

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર ‘હતાશ’ હોવાનો અને ‘નાટક’ કરવાનો આક્ષેપ કર્યા બાદ સત્તાધારી અને વિપક્ષી નેતાઓ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. PM મોદીએ વિપક્ષને રણનીતિ બદલવાની ટિપ્સ આપવાની તૈયારી દર્શાવી હતી, જેના જવાબમાં કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “પ્રદૂષણ અને SIR જેવા તાત્કાલિક મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. મુદ્દાઓ ઉઠાવવા એ નાટક નથી. નાટક તો એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકો સાથે જોડાયેલા મામલાઓ પર બોલવાની મંજૂરી ન આપવી. અમને તેના પર ચર્ચા કરવાની મંજૂરી કેમ નથી મળી રહી?”

સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ અવધેશ પ્રદેશે સંસદને દેશ અને લોકોના મુદ્દાઓ પર ચર્ચા કરવાનું સૌથી મોટું પ્લેટફોર્મ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે, અને આ સૌથી મોટું પ્લેટફોર્મ છે જેના દ્વારા આપણે દેશ અને લોકોના મુદ્દાઓ પર ચર્ચા કરી શકીએ છીએ. આજે, લોકોના મતોની સુરક્ષા અને લોકશાહીનું રક્ષણ એ સૌથી મહત્વપૂર્ણ ચિંતા છે.” આ સાથે જ વિપક્ષે લોકશાહીના સંરક્ષણ અને ચૂંટણી પ્રક્રિયા પર ચર્ચા કરવા પર ભાર મૂક્યો હતો.

કોંગ્રેસના અન્ય સાંસદ રાજીવ શુક્લાએ SIR મુદ્દા પર બોલતા ચૂંટણી પ્રક્રિયા અને તેની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચર્ચાનો વિષય છે, જેમાં ચૂંટણી પંચ કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેનો પણ સમાવેશ થાય છે. SIR માત્ર એક ભાગ છે. બિહારની ચૂંટણીમાં જાહેર નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હતો, જે અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ ક્યારેય બન્યું ન હતું.” વધુમાં, તેમણે નેશનલ હેરાલ્ડ કેસને સંપૂર્ણપણે ખોટો ગણાવતા કહ્યું કે આ કેસ ગાંધી પરિવારને રાજકીય બદલો લેવાના હેતુથી હેરાન કરવા માટે બનાવવામાં આવ્યો હતો અને ગાંધી પરિવારે એક પણ રૂપિયો લીધો નથી.

બીજી તરફ, સત્તાધારી પક્ષના નેતાઓએ સંસદનું સુચારુ સંચાલન થાય તેની અપેક્ષા વ્યક્ત કરી. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે સ્પષ્ટતા કરી કે, “સરકાર કોઈપણ વિષય પર ચર્ચા કરવા તૈયાર છે.” ભાજપના સાંસદ કંગના રણૌતે પણ વિપક્ષને સંસદને સરળતાથી ચાલવા દેવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું, “અમે વિપક્ષને માત્ર એટલી જ વિનંતી કરીએ છીએ કે સંસદ સત્રમાં વિક્ષેપ ન પાડે અને તેને સુચારુ રીતે ચાલવા દે, જેથી સત્ર દરમિયાન અનેક ખરડા રજૂ કરી શકાય.” આમ, સત્રના પ્રથમ દિવસે જ સત્તા અને વિપક્ષ વચ્ચે તીવ્ર નિવેદનબાજી જોવા મળી હતી.

આ પણ વાંચો…સંસદનો પ્રારંભ PM મોદીના પ્રહારથી! ’10 વર્ષથી એક જ રમત, હવે લોકો નહીં સ્વીકારે; નાટક કરવા બીજી જગ્યાઓ છે.’

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button