રાજસ્થાનમાં કાંગ્રસે મધરાતે જાહેર કરેલી પાંચમી યાદીમાં પ્રિયંકા ગાંધીના આ નજીકના નેતાને સ્થાન મળ્યું…
જયપુરઃ કોંગ્રેસ હાઈકમાન્ડે મંગળવારે માંડી સાંજે અને મધરાત્રે એમ ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. સાંજના સમયે ચોથી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસે 56 ઉમેદવારો અને પાંચમી યાદીમાં 5 ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે ચોથી યાદીમાં 32 નવા ચહેરા અને પાંચમી યાદીમાં 1 નવા ચહેરાને સ્થાન આપ્યું છે. પાંચમી યાદીમાં પાર્ટીએ વર્તમાન પ્રધાન સાલેહ મોહમ્મદ અને રાષ્ટ્રીય સચિવ પ્રિયંકા ગાંધીની નજીકના નેતા ધીરજ ગુર્જર સહિત ત્રણ અગ્રણી ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે.
જેમાં ફૂલેરામાંથી વિદ્યાધર ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા છે. ચૌધરી પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર હરિ સિંહના પુત્ર છે. જોકે તેઓ ગત વખતે નવીન કુમાવત સામે ચૂંટણી હારી ગયા હતા. એ જ રીતે જેસલમેરના વર્તમાન ધારાસભ્ય રૂપરામ મેઘવાલને પણ ફરીથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે નવા ચહેરા તરીકે હંગામી રામ મેવાડાને મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે ચોથી યાદીમાં વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની સાથે 33 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલા વિકાસ ચૌધરી અને બસપા છોડીને કોંગ્રેસમાં જોડાયેલા ઈમરાન ખાનને પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બે અપક્ષ ધારાસભ્યોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.
ઉમેદવારોની ત્રીજી યાદીમાં 7 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં સાંગોદથી ભરતસિંહે ચૂંટણી લડવાની પહેલા જ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તેમની જગ્યાએ નવા ઉમેદવારને તક આપવી જોઈએ. સંદીપ યાદવ છેલ્લી વિધાનસભા ચૂંટણી બસપાની ટિકિટ પર જીત્યા હતા અને બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ આપી ન હતી. ગંગાનગરના અપક્ષ ધારાસભ્ય રાજકુમાર ગૌરે પણ સરકારને સમર્થન આપ્યું હતું પરંતુ કોંગ્રેસે તેમને પણ ટિકિટ આપી ન હતી.
ઉમેદવારોની ચોથી અને પાંચમી યાદીમાં 12 વર્તમાન ધારાસભ્યોને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શ્રીમાધોપુરથી દીપેન્દ્ર સિંહ શેખાવત, બયાનાથી અમર સિંહ જાટવ, નિવાઈથી પ્રશાંત બૈરવા, બામણવાસથી ઈન્દ્ર મીણા, ધારિયાવાડથી નાગરાજ મીણા, ચૌહટનથી પદમારામ મેઘવાલ, કિશનગઢ બાસમાંથી દીપચંદ ખૈરિયા, શિવથી અમીન ખાન, રાજેન્દ્ર સિંહ બિધુરીનો સમાવેશ થાય છે.
જેસલમેરથી રૂપારામ મેઘવાલ, પોકરણમાંથી સાલેહ મોહમ્મદ અને નાદબાઈથી જોગીન્દર સિંહ અવના. સરકારને ટેકો આપતા બે અપક્ષ ધારાસભ્યોને પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખંડેલાથી મહાદેવ સિંહ ખંડેલા અને થાનાગાજીના કાંતિ પ્રસાદ મીણાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે અત્યાર સુધીમાં 156 ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે 44 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. નોંધનીય છે કે કોંગ્રેસે 21 ઓક્ટોબરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 33 નામો જાહેર કરવામાં આવ્યા હતા. બીજી યાદી 22 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી હતી જેમાં 43 નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 26 ઓક્ટોબરે કોંગ્રેસે ત્રીજી યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે 31મી ઓક્ટોબરે જાહેર કરાયેલી ચોથી યાદીમાં 56 ઉમેદવારોના નામ અને પાંચમી યાદીમાં પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.