વક્ફ બિલની ચર્ચામાં પ્રિયંકા ગાંધી ગેરહાજરી મુસ્લિમ લીગને ખૂંચી! રાહુલ ગાંધી મામલે પણ…

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં વક્ફ (સંશોધન) બોર્ડ બિલ પાસ થઈ ગયું છે. જેમાં સત્તા પક્ષ આ બિલ પાસ થતા આનંદમાં છે, પરંતુ સામે વિપક્ષી પાર્ટીઓ ખૂબ જ નારાજ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસથી મુસ્લિમ લીગ પણ નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બિલ સંસદમાં પાસ થયું ત્યારે ચર્ચા દરમિયાન વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી ગેરહાજર હતાં. જેથી મુસ્લિમ લીગ પાર્ટી પ્રિયંકા ગાંધીથી નારાજ છે. પ્રશ્ન એ પણ થાય છે કે, કોંગ્રેસ પાર્ટી પોતાને સેક્યુલર માને છે તો પછી વક્ફ (સંશોધન) બોર્ડ બિલની ચર્ચા દરમિયાન શા માટે પ્રિયંકા ગાંધી સંસદમાં હાજર ના રહ્યાં? સંસદની કાર્યવાહીથી મોટું તેમની પાસે બીજુ શું કામ હતું? આવા અનેક સવાલો અત્યારે મુસ્લિમ પાર્ટી કરી રહી છે.
આ પણ વાંચો: વક્ફ બિલને લઈ સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં….
મુસ્લિમ પક્ષે એક મુખપત્રમાં પ્રિયંકા ગાંધીની ટીકા કરી
નોંધનીય છે કે, બુધવારે લોકસભામાં બિલ પરની ચર્ચા દરમિયાન સત્રમાં હાજરી ન આપવા બદલ ઓલ કેરળ જામે-ઈય્યતુલ ઉલમાના મુખપત્ર સુપ્રભાતમએ પ્રિયંકા ગાંધીની ટીકા કરી હતી. 04 એપ્રિલના રોજ પ્રકાશિત થયેલા તંત્રીલેખમાં વક્ફ (સંશોધન) બોર્ડ બિલ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીની ગેરહાજરીને “કાળો ડાઘ” ગણાવવામાં આવ્યો હતો અને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે ભાજપ બિલને આગળ ધપાવી રહી હતી ત્યારે પ્રિયંકા ગાંધી ક્યાં હતા?’ મહત્વની વાત એ છે કે મુસ્લિમ લીગ માને છે કે આ બિલ મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. હવે આ બિલનો મોટાભાગના મુસ્લિમો ભારે વિરોધ કરી રહ્યાં છે.
મુસ્લિમ લીગે નારાજગી વ્યક્ત કરતા રાહુલ ગાંધી વિશે શું કહ્યું?
મહત્વની વાત એ પણ છે કે, રાહુલ ગાંધી પર પણ અત્યારે સવાલો કરવામાં આવ્યાં છે. સંસદની કાર્યવાહી દરમિયાન જ્યારે વક્ફ બોર્ડ પર ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધી દ્વારા પણ ખાસ કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. જેને લઈને મુસ્લિમ સમૂદાય રાહુલ ગાંધી પર પણ નારાજ થયો છે. આ તંત્રીલેખમાં કોંગ્રેસ, ટીએમસી અને ડાબેરી પક્ષો સહિત વિપક્ષી પક્ષોનો ઇન્ડિયા એલાયન્સ હેઠળ સંસદમાં બિલ સામે સામૂહિક વલણ અપનાવવા બદલ આભાર માન્યો છે. પરંતુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ સંસદમાં વક્ફ (સંશોધન) બોર્ડ બિલ મામલે શું કહ્યું હતું?
કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સૈયદ હુસૈને કહ્યું હતું કે, ‘અમારું માનવું છે કે આ એક બંધારણીય સમસ્યા છે અને આ બિલ ગેરબંધારણીય અને અન્યાયી છે. આ એક લક્ષિત કાયદો છે. બંને ગૃહોમાં ચર્ચા ખૂબ સારી રહી. અમે સરકાર સાથે અસંમત હતા. ભલે આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં બિલમાં ઘણા મુદ્દાઓ હશે, સરકાર તેને પસાર કરાવવા પર અડગ હતી’. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આ બિલને સંસદમાં બહુમત સાથે પસાર કરવામાં આવ્યું જે સંપૂર્ણ રીતે બંધારણીય પ્રક્રિયા છે! જો કે, જે લોકોને આ બિલથી વિરોધ હોય તે પોતાનો વિરોધ વ્યક્ત કરી છે અને સુપ્રીમ કોર્ટમાં કેસ પણ કરી છે. જે અધિકાર બંધારણે તેમને આપેલો છે.