બાંગ્લાદેશમાં હિંદુઓ પરની હિંસા અંગે આખરે પ્રિયંકા ગાંધીએ આપ્યું નિવેદન
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને જતાં રહ્યા હોવાને એક સપ્તાહથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ બાંગ્લાદેશમાં હિંસા અને આગ ચાંપવાની ઘટનાઓ અટકી રહી નથી. બાંગ્લાદેશમાં 16 જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ 42 પોલીસકર્મીઓ સહિત 500 થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાને લઈને ભારતે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાની તસવીરો વિચલિત કરનાર છે. આવી હિંસા અને હુમલા અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા અને હુમલા કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે અને ત્યાંની નવી ચૂંટાયેલી સરકાર હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મોને અનુસરતા લોકોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચો : ‘Hindu Lives Matter’: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં ભારતીયોનું પ્રદર્શન
पड़ोसी देश बांग्लादेश में अल्पसंख्यकों पर लगातार हमलों की खबरें विचलित करने वाली हैं। किसी भी सभ्य समाज में धर्म, जाति, भाषा या पहचान के आधार पर भेदभाव, हिंसा और हमले अस्वीकार्य हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2024
हमें उम्मीद है कि बांग्लादेश में जल्द हालात सामान्य होंगे और वहां की नवनिर्वाचित सरकार हिंदू,…
અવામી લીગના નેતા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ અને દક્ષિણ એશિયાઈ દેશમાં અનામત મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ભયના ઓછાયા તળે જીવી રહ્યા છે. હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને રવિવારે હિંદુ સમુદાયના લોકો બંદરીય શહેર ચટગાઉંમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના જીવન, સંપત્તિ અને પૂજા સ્થાનોની સુરક્ષાની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ‘બાંગ્લાદેશ અમારી માતૃભૂમિ છે અને અમે ક્યાંય જઈશું નહીં.’ સાથે જ બાંગ્લાદેશી હિન્દુઓએ પોતાના હિતોના રક્ષણ માટે અલગ લઘુમતી ખાતાની રચના કરવા અને સંસદમાં બેઠકો અનામત રાખવાની માંગ ઉઠાવી હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોને પગલે ભારતમાં સાધુ-સંતોએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને આ અંગે નક્કર પગલાં ભરવાની માંગ કરી હતી. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જરૂર પડ્યે સાધુ સમાજ બાંગ્લાદેશ પણ જશે. ગઇકાલે અયોધ્યામાં આ મુદ્દે સાધુ સંતોએ મોટી રેલીનું આયોજન કર્યું હતું.