Wayanad: વાયનાડ લોકસભા બેઠક પર ભાઈને બદલે બહેન આવશે! પ્રિયંકા ગાંધી લડી શકે છે પેટા ચૂંટણી
નવી દિલ્હી: INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી 2024માં જીત ના મેળવી શક્યું પણ કોંગ્રેસની બેઠકોની સંખ્યામાં વધારો નોંધાયો છે, ઉપરાંત મહત્વની બેઠકો પર જીત પણ મેળવી છે. જેને કારણે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે, એવામાં અહેવાલ છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) ચૂંટણીના રાજકારણમાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી વાયનાડ(Waynad) બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, જે રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી(Rahul Gandhi) 18મી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, તેમણે બેઠકો પર જીત મેળવી હતી. એવી ચર્ચા છે કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાંથી જ લોકસભામાં પ્રતિનિધિત્વ કરશે, તેઓ વાયનાડ સીટ છોડવાના છે. આ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનવવામાં આવી શકે છે.
અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાયબરેલી બેઠક રાખવા માટે રાહુલ પર દબાણ કરી રહ્યા છે. અમેઠીના કોંગ્રેસના સાંસદ કિશોરી લાલ શર્માએ પણ કહ્યું છે કે રાહુલને રાયબરેલી બેઠક રાખવી જોઈએ. રાહુલે રાયબરેલી અને વાયનાડ બંનેની મુલાકાત લીધી છે અને ત્યાંના લોકોનો આભાર માન્યો છે. વાયનાડના લોકોની એવી પણ માંગ છે કે ગાંધી પરિવારના કોઈ સભ્યએ ચૂંટણી લડવી જોઈએ.
રાહુલે વાયનાડમાં કહ્યું છે કે તેઓ અહીંથી એવો ઉમેદવાર આપશે કે જેમનાથી ત્યાંના લોકો પણ ખુશ થશે. દિલ્હીમાં પત્રકારો સાથેની અનૌપચારિક બેઠકમાં પણ રાહુલ ગાંધીએ આવા જ સંકેત આપ્યા હતા. જોકે રાહુલ ગાંધીએ ક્યાંય સ્પષ્ટ શબ્દોમાં નથી કહ્યું કે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે, આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવના છે. રાહુલ ગાંધી વાયનાડથી રાજીનામું આપી દેશે ત્યાર બાદ પેટાચૂંટણી યોજાશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાં જાહેર સભામાં કહ્યું, “હું તમને ટૂંક સમયમાં મળવાની આશા રાખું છું. મારી સામે મૂંઝવણ એ છે કે મારે વાયનાડનો સાંસદ રહેવું જોઈએ કે રાયબરેલીનો. મને આશા છે કે વાયનાડ અને રાયબરેલી બંને મારા નિર્ણયને સ્વીકારશે.”
રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું કે આ લોકસભા ચૂંટણીની લડાઈ દેશના બંધારણની રક્ષા માટે હતી, આ લડાઈમાં પ્રેમ સામે નફરતનો પરાજય થયો અને નમ્રતાથી સામે અહંકારનો પરાજય થયો. આ સાથે રાહુલ ગાંધીએ કેન્દ્રમાં નવી સરકારને ‘પંગુ સરકાર’ ગણાવી હતી.
વર્ષ 2019માં પણ રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી જીત્યા હતા. ફરી એકવાર વાયનાડે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રાયબરેલીના લોકોએ પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે નિયમો અનુસાર રાહુલ ગાંધી બે જગ્યાએથી સાંસદ નહીં રહી શકે. તેણે એક બેઠક છોડવી પડશે.