પેલેસ્ટાઇન બાદ હવે બાંગ્લાદેશી હિંદુઓને સમર્થન કરતી બેગ લઈને સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી

કૉંગ્રેસના વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. તેના માટે ભાજપના સાંસદોએ તેમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ મુસ્લિમ તુષ્ટિકરણમાં વ્યસ્ત છે, પરંતુ તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ સામે થતી હિંસા અંગે મૌન છે. આ મામલે સંસદમાં ભારે હોબાળો પણ થયો હતો, જેની ગુંજ દૂર દૂર છેક પાકિસ્તાન સુધી ગઇ હતી અને પાકિસ્તાને પ્રિયંકાના વખાણ પણ કર્યા હતા. ભાજપએ પ્રિયંકા પર તીખા પ્રહારો કર્યા હતા, પરંતુ હવે ખુદ પ્રિયંકા ગાંધીએ બેગ સાથે જવાબ આપ્યો છે. આજે તેઓ એક બેગ લઈને સંસદ પહોંચ્યા હતા જેમાં લખ્યું હતું, ‘બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો (એક્તા દર્શાવો).’
આ બેગને લઈને પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસે ભાજપને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. ભાજપ સતત આરોપ લગાવી રહ્યું છે કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરે છે અને હિંદુઓ પરના અત્યાચાર પર મૌન છે. વિપક્ષના સાંસદોએ મંગળવારે સંકુલની બહાર પ્રદર્શન કર્યું હતું. આ સાંસદોએ સરકાર પાસે પડોશી દેશમાં હિંદુઓ અને ખ્રિસ્તીઓ પર થઈ રહેલા અત્યાચારો સામે પગલાં લેવાની માંગ કરી હતી. આ લોકો પાસે ‘બાંગ્લાદેશના હિંદુઓને સમર્થન કરો’ લખેલા પ્લેકાર્ડ હતા અને સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
આ પણ વાંચો…રાહુલ બાદ હવે પ્રિયંકા ગાધીનું ફેન બન્યું પાકિસ્તાન…
પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના ઘણા સાંસદો ‘સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ’ શબ્દોવાળી બેગ લઈને આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસે તુષ્ટિકરણના આરોપનો જવાબ આપવા માટે આ બેગ લઇને આવ્યા હતા. મુસ્લિમો અને પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવવા બદલ તેમને ઘેરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસનું આ પગલું એ સંદેશ આપવાનું છે કે અમે બધાની સાથે છીએ અને ભેદભાવની રાજનીતિ નથી કરતા. કોંગ્રેસ પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવે છે તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવે છે.