નેશનલ

ઈન્દિરા ગાંધીએ ક્યારેય નિર્ણયો લેવામાં પીછેહઠ કરી નહોતી: મોદી સરકાર પર પ્રિયંકાનો પ્રહાર…

પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: ઇતિહાસમાં પહેલીવાર સરકાર પોતે જ સંસદ રોકી રહી છે

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર સંસદની કાર્યવાહીમાં જાણીજોઈને અવરોધ ઊભો કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસદના ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે સરકાર પોતે જ ગૃહને ચાલવા દેવા માંગતી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે પણ સરકાર ગૃહમાં વિક્ષેપ પાડવા માંગતી હોય છે, ત્યારે અમુક ચોક્કસ સાંસદોને આગળ કરવામાં આવે છે, જે સંસદ અને સ્પીકર બંનેનું અપમાન છે.

નિશિકાંત દુબેને ટાંકીને કહ્યું હતું કે નિશિકાંત દુબે ત્યારે જ ઉઠે છે, જ્યારે તેમને સરકાર દ્વારા ઊભા કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જાઓ ગૃહને ડિસ્ટર્બ કરો. ગૃહમાં ભેદભાવનો મુદ્દો ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકારના સભ્યોને અનેક પુસ્તકો ટાંકીને બોલવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ વિરોધ પક્ષના સભ્યોને પ્રકાશિત પુસ્તકોમાંથી સંદર્ભ આપતા પણ રોકવામાં આવે છે. તેમણે જણાવ્યું કે વિપક્ષના નેતા (LoP)એ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ તેઓ સમગ્ર વિપક્ષ અને જનતાના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને બોલતા રોકવા એ લોકશાહીની મર્યાદાનું ઉલ્લંઘન છે.

સરકારની રણનીતિ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જ્યારે પણ દેશના નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠે છે, ત્યારે સરકાર જનતાનું ધ્યાન ભટકાવવા માટે ફરીથી નેહરુ અને જૂના ઈતિહાસના મુદ્દાઓ ઉછાળે છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મક્કમ નેતૃત્વને યાદ કરતા તેમણે કહ્યું કે, ઈન્દિરાજી ક્યારેય નિર્ણયો લેવામાં પાછીપાની કરતા નહોતા. દેશ આ રીતે ન ચાલી શકે કે જેમાં માત્ર સરકારની જ મરજી ચાલે અને વિપક્ષને સાંભળવામાં જ ન આવે.

પ્રિયંકા ગાંધીએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે, દેશના નાગરિકોએ સમજવું જોઈએ કે સંસદમાં જે થઈ રહ્યું છે તે માત્ર વિપક્ષનો વિરોધ નથી, પરંતુ સરકાર દ્વારા વિપક્ષી અવાજને દબાવવાનો પ્રયાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી લોકતાંત્રિક રીતે વિપક્ષના નેતાને પોતાની વાત રજૂ કરવાની તક નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો…ગદ્દાર Vs દુશ્મનઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા રવનીત સિંહ બિટ્ટુને રાહુલ ગાંધીએ કેમ કહ્યા ગદ્દાર, જુઓ વાયરલ વીડિયો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button