
નવી દિલ્હી: ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની તાકાત દેખાડી દીધી છે. એક દિવસ પહેલા જ ડીઆરડીઓએ ૧૫ હાજર ફૂટથી પણ વધારે ઉંચાઈથી આકાશ પ્રાઈમ મિસાઈલ સીસ્ટમ બાદ હવે ભારતે ઓડીશાના ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જ (ITR) પરથી ‘પૃથ્વી-II’ અને ‘અગ્નિ-I’ બેલેસ્ટિક મિસાઈલોનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધુ એક મજબૂતીનો ઉમેરો દર્શાવે છે.
બેલેસ્ટિક મિસાઈલોનું સફળતાપૂર્વક પરીક્ષણ
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઓડિશાના ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જ (ITR) પરથી ‘પૃથ્વી-2’ અને ‘અગ્નિ-1’ નામની ટૂંકી-શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણોએ તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને પૂર્ણ કર્યા છે. આ પરીક્ષણો વ્યૂહાત્મક દળ કમાન્ડ (Strategic Forces Command) ના નેજા હેઠળ કરવામાં આવ્યા હતા, જે ભારતીય સેનાની મિસાઈલ ક્ષમતાની કાર્યક્ષમતા દર્શાવે છે.
અબ્દુલ કલામ દ્વીપ પરથી અગ્નિ-1 નું પરીક્ષણ
મળતી માહિતી મુજબ, અગ્નિ-1 નું પરીક્ષણ અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું, જ્યારે પૃથ્વી-2 નું પરીક્ષણ થોડા સમય બાદ ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જના લોન્ચ પેડ નંબર-3 પરથી કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણો ભારતીય સેનાની સુરક્ષા અને પ્રતિકારક ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.
