એક જ મહિનામાં બે વખત વડાપ્રધાનનો રાજસ્થાનનો પ્રવાસ! શું છે કારણ?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં રાજસ્થાનના પ્રવાસે છે. વડાપ્રધાન આગામી 9મીથી 11 ડિસેમ્બર દરમિયાન આયોજિત થનાર ‘રાઇઝિંગ રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ સમિટ’ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે. રાજસ્થાનમાં નવી ચૂંટેલી સરકાર માટે વડાપ્રધાનની ઉપસ્થિતિ ઘણી મહત્વની બની રહી છે.
આ પણ વાંચો: વકફ બિલ પાસ કરાવવા સરકાર કરી રહી છે તૈયારી? વડાપ્રધાને ભાષણમાં આપ્યા સંકેત….
ERC પ્રોજેક્ટનો શિલાન્યાસ
બીજા કાર્યક્રમમાં 15 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર એક મહત્વપૂર્ણ યોજનાનો શિલાન્યાસ કરશે. આ દિવસને મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માની સરકારની પ્રથમ વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવશે, જ્યારે વડાપ્રધાન ERCP (પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ)નો શિલાન્યાસ કરશે.
સમગ્ર રાજ્યમાં થશે પ્રચાર
આ પ્રસંગે રાજ્યભરમાં પ્રદેશ, વિભાગ અને જિલ્લા સ્તરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જ્યાં સરકાર તેના એક વર્ષના કાર્યકાળનો હિસાબ રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે સરકાર ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે નવી જાહેરાતો પણ કરી શકે છે, જે રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ધારાસભ્યો અને મંત્રીઓ પોતપોતાના વિસ્તારોમાં જઈને સરકારી યોજનાઓનો પ્રચાર કરશે.
પૂર્વ રાજસ્થાનમાં પાણીની અછતનો અંત
ERCP પ્રોજેક્ટ રાજ્યના પૂર્વ જિલ્લાઓમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓનો કાયમી ઉકેલ પૂરો પાડશે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ થોડા સમય પહેલા કહ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ખાસ કરીને દૌસા અને આસપાસના જિલ્લાઓમાં પાણીની અછતનો અંત આવશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે 1316 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. કોટા બેરેજ અને નોનેરા અબ્રા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવશે, જે કોટા, બુંદી અને બારનના 6 નગરો અને 749 ગામોને પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરશે. આ સાથે ડેમમાં 27 ગેટનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ કાર્યરત થઈ જશે.