વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું: તામિલનાડુમાં ઈસરો લોન્ચ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો
થૂથુકુડી (તામિલનાડુ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તામિલનાડુમાં અંદાજે રૂ. 17,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને પોતાના વક્તવ્યમાં તામિલનાડુના વિકાસ માટે કામ ન કરવા બદલ યુપીએ સરકારની નિંદા કરી હતી.
શિલાન્યાસ કરીને તેમ જ પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે રાજ્ય વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે કેમ કે કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે તામિલનાડુમાં મોર્ડન કનેક્ટિવિટી અત્યારે નવી ઊંચાઈ પર પહોંચી છે.
ડીએમકે પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે અખબારો અને ટીવી ચેનલો સરકારના આવા કામને પ્રસિદ્ધિ આપવા માગતા હોવા છતાં અહીંની સરકાર તેમને આવું કરવા દેતી નથી.
આમ છતાં અમે વિકાસના કામો કરવાનું બંધ કરીશું નહીં, એમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું.
ભારતની પહેલી સ્વદેશી ગ્રીન હાઈડ્રોજન વોટરવે વેસલને તામિલનાડુુના તુતીકોરિન ખાતે લીલી ઝંડી દાખવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોને કારણે તામિલનાડુના લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. નવા પ્રોજેક્ટ ભારતને વિકસિત ભારતની દિશામાં લઈ જવા માટેના રોડમેપ છે.
હું જે બોલી રહ્યો છું તે કોઈ રાજકીય વિચારધારા સાથે સંકળાયેલું નથી કે મારી પોતાની વિચારધારા સાથે સંકળાયું નથી. આ ફક્ત વિકાસ સાથે સંકળાયેલું છે, એમ તેમણે કહ્યું હતું.
પ્રદેશની ડીએમકે-કૉંગ્રેસની સરકારની ટીકા કરતાં તેમણે પોતાના વિકાસ કામો ગણાવતાં કહ્યું હતું કે મારે તામિલનાડુના લોકોને સચ્ચાઈ જણાવવી જોઈએ, આખા દેશને સચ્ચાઈ જણાવવી જોઈએ કે આજે હું જે વિકાસ કામો લઈને આવ્યો છું તે બધાની માગણી સ્થાનિકો દ્વારા દાયકાઓથી કરવામાં આવી રહી હતી.
ડીએમકેનો અપ્રત્યક્ષ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે તામિલનાડુની સત્તાધારી પાર્ટીએ કેન્દ્રમાં લાંબો સમય યુપીએ સાથે સત્તામાં ભાગીદારી કરી હતી, પરંતુ તેમણે ક્યારેય તમારા વિકાસની ચિંતા કરી નહોતી.
આ બધા વિકાસના કામોની પહેલ એક ‘સેવક’ દ્વારા કરવામાં આવી રહી છે, એમ કહીને તેમણે પોતાને શ્રેય આપવાનું કામ કર્યું હતું. (પીટીઆઈ)