નેશનલ

એશિયન ગેમ્સમાં મેડલ વિજેતાઓને મળ્યા વડા પ્રધાન મોદી, કહ્યું- પેરિસ ઓલિમ્પિકની તૈયારી કરો

ચંદ્રક વિજેતાઓની મુલાકાત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એશિયન ગૅમ્સના ચંદ્રક વિજેતાઓને મળ્યા હતા. (એજન્સી)

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં હોંગઝાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈને પરત ફરેલી ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ ૨૦૨૩માં મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. ખેલાડીઓને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે હું ૧૪૦ કરોડ ભારતીયો તરફથી તમારા બધાનું સ્વાગત કરું છું.

તમારી મહેનત અને સફળતાએ દેશમાં ઉજવણીનું વાતાવરણ ઊભું કર્યું છે. હવે પેરિસ ઓલિમ્પિક માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દો. તેમણે કહ્યું હતું કે
એશિયન ગેમ્સમાં મેડલ ન જીતી શકનારા ખેલાડીઓએ નિરાશ ન થવું જોઈએ અને પેરિસ ઓલિમ્પિક માટે સખત મહેનત કરવી જોઈએ.

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એશિયન ગેમ્સમાં મહિલા શક્તિને સલામ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે મને ગર્વ છે કે આપણી ‘નારી શક્તિ’ એ એશિયન ગેમ્સમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. જીતેલા કુલ મેડલમાંથી અડધાથી વધુ મેડલ આપણી મહિલા ખેલાડીઓના છે. આ નવા ભારતની ભાવના છે. તમે ૧૦૦ મેડલ ટેલીને પાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી હતી.
એશિયન ગેમ્સમાં તમામ ખેલાડીઓના પ્રદર્શનથી સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય એથ્લેટ્સ તેમજ કોચ અને સપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો જેમણે તેમને તૈયાર કર્યા. તેમણે કહ્યું કે દેશ વતી હું તમામ ખેલાડીઓના કોચ અને ટ્રેનર્સનો પણ આભાર માનું છું. એશિયન ગેમ્સમાં પ્રદર્શનથી ઓલિમ્પિકમાં અમારા ખેલાડીઓનો આત્મવિશ્ર્વાસ વધશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે જ્યારે તમે સફળતા થઇને પાછા ફર્યા છો ત્યારે મને લાગે છે કે આપણી દિશા સાચી છે. ભારતે આ વખતે વિદેશી ધરતી પર સૌથી વધુ મેડલ જીત્યા છે. આ વખતે ઘણા યુવા ખેલાડીઓએ મેડલ ટેબલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આપણે ભાગ લીધેલી મોટાભાગની રમતોમાં કેટલાક મેડલ ઘરે લાવ્યા છીએ. એવી ૨૦ ઇવેન્ટ હતી જેમાં દેશને આજ સુધી પોડિયમ ફિનિશ મળ્યું નહોતું. તમે ઘણી રમતોમાં નવો રસ્તો ખોલ્યો છે.

દરમિયાન પીએમ મોદીએ ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા’માં મદદ કરવા માટે ખેલાડીઓ પાસેથી મદદ માગી હતી. પીએમ મોદીએ કહ્યું કે દેશ હાલમાં ડ્રગ્સ સામે નિર્ણાયક યુદ્ધ લડી રહ્યો છે અને તમે બધા ડ્રગ્સની ખરાબ અસરો વિશે સારી રીતે જાણો છો.

પીએમ મોદી બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ એથ્લેટ્સ સાથે વાત કરી હતી. ખેલાડીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે આપણા ખેલાડીઓએ સખત મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી અને આ વખતે ૧૦૦ને પાર કરવા માટે મહેનત કરી છે. આજ સુધી જે નથી થઈ શક્યું તે શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ૨૮ ગોલ્ડ સહિત રેકોર્ડ ૧૦૭ મેડલ જીત્યા હતા અને ચોથા સ્થાને રહ્યું હતું. એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button