વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવી શકે છે વડા પ્રધાન મોદી
મુકેશ અંબાણી, અદાણી અને ધોનીને આમંત્રણ
અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલ ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે ૨૦ વર્ષ બાદ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા આમને સામને થશે.
આ મેચને યાદગાર બનાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાઇનલ મેચ જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇએ તમામને ફાઈનલ મેચ માટે આમંત્રણ મોકલ્યું છે. મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ પણ ફાઈનલ મેચ જોવા આવી શકે છે.
ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહેશે. આ સિવાય બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગન પણ ફાઈનલ મેચ જોવા આવે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં મેચને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. આ મેચ જોવા માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આવી શકે છે. તેમની સાથે અનેક હસ્તીઓ હાજર રહેશે.
રિપોર્ટ અનુસાર, વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં બ્રિટિશ પોપ સિંગર દુઆ લિપા પરફોર્મ કરી શકે છે. દુઆ લિપા અલ્બેનિયાની જાણીતી સિંગર છે, પરંતુ તેની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે.