પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ યતિ નરસિમ્હાનંદ વિરુદ્ધ FIR
લઘુમતી સમુદાય વિરુદ્દ ભડકાઉ નિવેદનો આપવા માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં સ્થિત દશના દેવી મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતી ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ વખતે નરસિમ્હાનંદે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ વિષે અપમાનજનક ટીપ્પણી કરી છે, આ સંબંધમાં તેના પર કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક વીડિયો ક્લિપ સાંભળ્યા બાદ વેવ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 16 સેકન્ડના વીડિયોમાં યતિ નરસિમ્હાનંદ પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા અને મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષાનો ઉપયોગ કરતા સાંભળવા મળે છે. તેમની ભડકાઉ ભાષા નફરતને ઉશ્કેરે અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકશાન પહોંચાડે તેવી છે.
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 295A (કોઈપણ જૂથની ધાર્મિક લાગણીઓને ભડકાવવી), 505 (1) (c) (જાહેર ઉપદ્રવ પેદા કરતા નિવેદનો) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (સુધારા) અધિનિયમ 2008ની કલમ 67 હેઠળ યતિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
જ્યારે આ મુદ્દે મહંત યતિ નરસિમ્હાનંદે કહ્યું કે આ એક જૂનો વીડિયો છે અને આરોપ લગાવ્યો છે કે પોલીસ મને આ મામલે સંડોવવા માટે વારંવાર FIR દાખલ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ યતિ નરસિમ્હાનંદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને મદરેસાઓને બોમ્બથી ઉડાવી દેવાની વાત પણ કરી ચુક્યા છે. ભારત જોડો યાત્રાની મજાક ઉડાવતા યતીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી જેહાદીઓની સાથે છે.