રાષ્ટ્રપતિને મળ્યું NDAનું પ્રતિનિધિમંડળ, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએ જૂથને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ હવે સરકાર બનાવવાની કવાયત હાથ ધરી છે. આજે એનડીએની દિલ્હીની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવ્યા પછી મોદીની આગેવાની હેઠળના એનડીએ (NDA)નું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું, ત્યાર બાદ સરકાર બનાવવાનો તેમણે દાવો કર્યો હતો.
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ સરકાર બનાવવાનો આજે દાવો કર્યો. આ વખતે એનડીએના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મળીને સરકાર બનાવવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો.
સરકાર બનાવવાનો દાવો કરવા માટે એનડીએ વતી અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતીશ કુમાર અને એકનાથ શિંદે પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને સાડાચાર વાગ્યે મળ્યા હતા.
આ પણ વાંચો : ‘મોદી-મોદી’ ના નારા વચ્ચે નરેન્દ્ર મોદી NDAના નેતા તરીકે ચૂંટાયા
દરમિયાન પીએમ મોદી અન્ય દિગ્ગજ વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને પણ મળ્યા હતા. મોદીએ કહ્યું હતું કે એનડીએ અલાયન્સ સફળ ગઠબંધન છે. તેમણે કહ્યું હતું કે સત્તા પ્રાપ્ત કરવા સરકાર ચલાવવા અથવા અમુક દળોનો મેળાવડો નથી. આ નેશન ફર્સ્ટની મૂળ ભાવનામાં રાષ્ટ્ર પહેલા માટે પ્રતિબદ્ધ જૂથ છે. લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએને 293 સીટ સાથે સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા માટે 272 પૂરતી સીટ મળી નથી.