રાષ્ટ્રપતિ મુર્મુ સોમવારે ૧૯ બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ૧૯ બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે. એવોર્ડ મેળવનારાઓમાં ૯ છોકરા અને ૧૦ છોકરીનો સમાવેશ થાય છે. આ તમામ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે, જેમાં બે એસ્પિરેશનલ ડ્રિસ્ટ્રિક્ટમાંથી આવે છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, ૨૦૨૪ છ કેટેગરીમાં આપવામાં આવશે. નિવેદન અનુસાર કલા અને સંસ્કૃતિ શ્રેણીમાં ૭, બહાદુરી ૧, નવીનતા ૧, વિજ્ઞાન અને ટેક્નોલોજી ૧, સમાજ સેવા ૪ અને રમતગમતમાં ૫ પુરસ્કારનો સમાવેશ થાય છે.
ડબ્લ્યુસીડી મંત્રાલયના જણાવ્યા અનુસાર મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઇની હાજરીમાં બાળકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારનો ઉદ્દેશ્ય પાંચથી ૧૮ વર્ષની વયના બાળકોની અસાધારણ સિદ્ધિઓને ઓળખવા અને તેની ઉજવણી કરવાનો છે. દરેક એવોર્ડ મેળવનારને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
નિવેદનમાં જણાવ્યા મુજબ આ વર્ષે ડબ્લ્યુસીડી મંત્રાલયે પ્રાદેશિક અને રાષ્ટ્રીય અખબારોમાં જાહેરાતો આપીને નામાંકન વધારવા માટે વિશેષ પગલાં લીધા છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ ૯ મેથી ૧૫ સપ્ટેમ્બર સુધી નોમિનેશન માટે ખુલ્લુ રહ્યું હતું.