રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં અનુભવી શટલર અને કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા સાઈના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ સાઈના નેહવાલ જેવી દિગ્ગજ ખેલાડીને પણ પોતાની રમતથી ચોંકાવી દીધી હતી. બેડમિન્ટન રમતી વખતે રાષ્ટ્રપતિ મુર્મુએ અનુભવી ખેલાડીની જેમ ઘણા શોટ ફટકાર્યા હતા. આ મેચ દરમિયાન સાઇના નેહવાલ રાષ્ટ્રપતિ મુર્મુની સામે જીત માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. બંનેની રમતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા બુધવારે રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રતિષ્ઠિત ડ્યુરન્ડ કપ, પ્રેસિડેન્ટ કપ અને શિમલા ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.
રાષ્ટ્રપતિ સચિવાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિનું આ પ્રેરણાદાયી પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે ભારત બેડમિન્ટન સુપરપાવર તરીકે ઉભરી રહ્યું છે અને મહિલા ખેલાડીઓ વિશ્વ મંચ પર મોટી અસર કરી રહી છે. મુર્મુ અને નેહવાલની મેચની તસવીરો શેર કરતી વખતે તેમણે લખ્યું હતું, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો રમત પ્રત્યેનો સ્વાભાવિક પ્રેમ ત્યારે જોવા મળ્યો જ્યારે તેઓ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં પ્રખ્યાત ખેલાડી સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા હતા.’ ‘ઉનકી કહાની-મેરી કહાની’ વ્યાખ્યાન શ્રેણી હેઠળ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરશે.
સાઈના નેહવાલે પણ રાષ્ટ્રપતિ સાથે રમવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. નેહવાલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, “ભારતના રાષ્ટ્રપતિ સાથે રમવું મારા માટે સન્માનની વાત છે… મારા જીવનનો કેટલો યાદગાર દિવસ છે! મારી સાથે બેડમિન્ટન રમવા માટે રાષ્ટ્રપતિનો ખૂબ ખૂબ આભાર.”
હરિયાણાના વતની, 33 વર્ષીય શટલર સાઇના નેહવાલે તેની કારકિર્દીની શરૂઆતમાં 2008 માં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. 2008માં, તે ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેણે હોંગકોંગની તે સમયની વિશ્વની પાંચમી ક્રમાંકની વાંગ ચેનને હરાવી હતી, પરંતુ ઇન્ડોનેશિયાની મારિયા ક્રિસ્ટિન યુલિયાન્ટી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2009 માં, સાયના BWF સુપર સિરીઝ ઇવેન્ટ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેમને 2009માં અર્જુન પુરસ્કાર અને 2010માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
Also Read –