ભારતના રાષ્ટ્રપતિને ફિજિનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો
આ સન્માન બંને રાષ્ટ્રોના ગાઢ સંબંધોનું પ્રતિબિંબઃ રાષ્ટ્રપતિ
સુવા: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ તેમના ત્રણ દેશોના પ્રવાસે છે અને હાલ તેઓ ફિજિની રાજધાની સુવામાં છે. ફિજિના રાષ્ટ્રપતિ રાતુ વિલિયામે મૈવાલિલી કાટોનીવેરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજિ’થી નવાજ્યા છે. તે ફિજિનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ સન્માન ભારત અને ફિજિ વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોનું પ્રતિબિંબ છે.
વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મજુમદારે તાજેતરમાં રાષ્ટ્રપતિની વિદેશ મુલાકાતોની વિગતો શેર કરી હતી. તેમાં કહેવાયુ હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ સુધી ત્રણ દેશો ફિજિ, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની મુલાકાતે જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક્ટ ઈસ્ટ નીતિ હેઠળ, ભારતે ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ત્રણેય દેશો ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ આવે છે. ભારત અને ફિજિના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે. ભારત ફિજિનું મુખ્ય વિકાસ ભાગીદાર રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રવિવારે જણાવ્યું હતું કે એક્ટ ઈસ્ટ પોલિસીને આગળ ધપાવતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજિ, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાત માટે રવાના થયા છે. પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ ફિજિની રાજ્ય મુલાકાતે જશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. રાષ્ટ્રપતિ ફિજિની સંસદને પણ સંબોધિત કરવાના છે અને તે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત પણ કરવાના છે.
આ પણ વાંચો :બેડમિંટન કોર્ટ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને સાઇના નેહવાલનો મુકાબલો, ઑલિમ્પિક મેડલ વિનરને આપ્યો કડક પડકાર
મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ 8 અને 9 ઓગસ્ટે ન્યૂઝીલેન્ડની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તે ગવર્નર જનરલ સિન્ડી કિરો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત યોજાશે. વેલિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદને પણ રાષ્ટ્રપતિ સંબોધિત કરવાના છે અને ઓકલેન્ડમાં ભારતીય સમુદાયની સાથે મુલાકાત કરશે. પ્રવાસના છેલ્લા તબક્કામાં રાષ્ટ્રપતિ 10 ઓગસ્ટે તિમોર-લેસ્ટેની મુલાકાત લેશે.