
નવી દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે દેશવાસીઓને દિવાળીની પૂર્વસંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી અને ગરીબો અને જરૂરિયાતમંદોની સાથે ખુશીઓ વહેંચીને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાની અપીલ કરી હતી.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, ‘દિવાળી એ આનંદ અને ખુશીનો તહેવાર છે. તે અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારા અને અન્યાય પર ન્યાયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ ધર્મ અને આસ્થાના લોકો આ તહેવારની ઉજવણી કરે છે અને પ્રેમ, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ ફેલાવે છે. આ તહેવાર દયા, સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. દિવાળીનો તહેવાર આપણા અંતરાત્માને પ્રકાશિત કરે છે અને આપણને માનવતાના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. જેમ એક દીવો બીજા ઘણા દીવાઓને પ્રકાશિત કરી શકે છે. તેવી જ રીતે, આપણે ગરીબો અને જરૂરિયાતમંદોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ અને તેમની સાથે આપણી ખુશીઓ વહેંચી શકીએ છીએ.
મુર્મુએ દરેકને દિવાળી સુરક્ષિત રીતે ઉજવવા અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી. મુર્મુએ દિવાળી પૂર્વની સંધ્યાએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ‘દિવાળીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.’