મોદી સરકાર 3.0ની તૈયારી, કેબીનેટમાં કોને મળી શકે છે સ્થાન? સસ્પેન્સ ઘેરાયું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી(BJP)ની આગેવાની હેઠળ NDA ગઠબંધને જીત મળેવી છે, NDA ગઠબંધન હવે સરકાર રચવા તૈયાર છે, ફરી એકવાર ભાજપ સરકાર બનવામાં માત્ર 2 દિવસ બાકી છે. નવી કેન્દ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ 8 જૂને દિલ્હીમાં યોજાશે. નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બને એ નક્કી છે, મોદી સરકાર 3.0ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે મોદી સરકારનું પ્રધાનમંડળ કેવું હશે એ અંગે તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
ગઈ કાલે બુધવારે સાંજે યોજાયેલી NDAના ઘટક પક્ષોના આગેવાનોએની બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી તેના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે, આ ઘટનાને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. આઝાદી પછી આ બીજી વખત છે જ્યારે કોઈ ગઠબંધનને ત્રીજી વખત જનાદેશ મળ્યો છે.
નવી સરકારની રચના માટે બુધવારે દિલ્હીમાં એનડીએના ઘટકોની ઘણી બેઠકો યોજાઈ હતી, જેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ પણ સમય બગાડ્યા વિના જલ્દી સરકાર બનાવવા પર ભાર મૂક્યો હતો. નરેન્દ્ર મોદીએ આગામી સરકારની રચના માટે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું પણ સોંપી દીધું છે. હવે મોદી સરકારની નવી કેબિનેટમાંથી ઘણા જૂના પ્રધાનોની બાદબાકી થઇ શકે છે.
મોદી સરકાર 3.0માં કોણ પ્રધાન બનશે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અમેઠીથી ચૂંટણી હારી ગયેલા સ્મૃતિ ઈરાનીને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સાંસદને કેન્દ્રીય કેબિનેટમાં એક જગ્યાની ખાતરી આપવામાં આવી છે.
ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારની પાર્ટીના સાંસદોને કેન્દ્રીય કેબિનેટમાં નિર્ણાયક હોદ્દા આપવામાં આવી શકે છે.