
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી એક આઘાતજનક સમાચાર જાણવા મળ્યા છે. મોડી સાંજે આઈસ્ક્રીમ ખરીદવા માટે ઘરેથી નીકળેલી મહિલાની લાશ સવારે મળી આવી હતી. મહિલા તેના 4 વર્ષના બાળક સાથે સ્કૂટર પર નીકળી હતી. સવારે જ્યારે લોકોએ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો તેઓને ઘટનાની જાણ થઈ.
કહેવામાં આવી રહ્યું છે કે ચાર વર્ષનો પુત્ર આખી રાત મહિલાના મૃતદેહ પાસે બેઠો રહ્યો. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, બલ્લારપુર ટીચર્સ કોલોનીની મૃતક મહિલા સુષ્મા કાકડે ત્રણ મહિનાની ગર્ભવતી હતી. બુધવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તે તેના પુત્ર દુર્વંશ સાથે આઈસ્ક્રીમ લેવા નીકળી હતી. ગુરુવારે સવારે મહિલાની લાશ નદી કિનારેથી મળી આવી હતી.
સ્થાનિક પોલીસ અધિક્ષક રવિન્દ્ર સિંહ પરદેસીએ જણાવ્યું હતું કે ઘરની બહાર નીકળ્યા બાદ સુષ્મા કાકડે મોડી રાત સુધી ઘેર પરત ફર્યા ન હતા. આ પછી તેના પતિ પવન કુમાર કાકડે તેના એક સહયોગી અને અન્ય સંબંધીઓ સાથે મળીને તેની શોધ શરૂ કરી હતી. સુષ્માનો કોઈ પત્તો ન લાગતાં તેણે બલ્લારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે કેટલાક લોકોએ સુષ્માના પતિને જાણ કરી કે તેમની પત્નીની લાશ રાજુરા-બલ્લારપુર રોડ પર વર્ધા નદીના પુલ પાસે પડી છે. માહિતી બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમણે જોયું કે મહિલાનો પુત્ર આખી રાત તેની માતાના મૃતદેહ પાસે બેઠો હતો. એસપીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે મહિલા તેના સ્કૂટર સાથે લગભગ 30 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પડી હતી. બાળકને સામાન્ય ઈજાઓ થઈ છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે ઘાયલ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે મહિલાના ગળા અને હાથમાં ફ્રેક્ચર હતું. બીજી તરફ બલ્લારપુર પોલીસ કર્મચારી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે પરિવારના સભ્યોએ બુધવાર-ગુરુવારે રાત્રે સુષ્મા અને બાળકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે ઘટના સ્થળની આસપાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. હાલ અકસ્માતમાં મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.