
કર્ણાટક સરકારે એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થનાકાળ બાદ બંધારણની પ્રસ્તાવના ફરજિયાતપણે મોટેથી વંચાવવી. રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન સી મહાદેવપ્પાએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકોને બંધારણના આદર્શો અને સિદ્ધાંતોથી અવગત કરાવવા માટે પ્રસ્તાવના વંચાવવી અનિવાર્ય છે. શુક્રવારે યોજાયેલા આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ કાર્યક્રમમાં સરકાર દ્વારા આ જાહેરાત કરાઇ હતી.
કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની ઉપસ્થિતિમાં બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વચ્ચે લોકતંત્ર, બંધારણ અને તેની પ્રસ્તાવના વિશે જાગૃતિ ફેલાવવાનો આ એક પ્રયાસ છે. જો બંધારણ જીવંત રહેશે તો લોકતંત્ર જીવંત રહેશે. આથી આપણા બંધારણને વાંચવું, સમજવું અને તેની રક્ષા કરવી એ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. આ સમયની માગ છે.
“કેટલીક શક્તિઓ દ્વારા બંધારણને નષ્ટ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.” તેવું જણાવતી સીએમ સિદ્ધારમૈયાએ ઉમેર્યું, “બંધારણ વિરોધી સત્તાઓ” દેશમાં મનુસ્મૃતિને લાગુ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આથી સૌએ ‘જાગરૂક અને સાવધાન’ રહેવું જોઇએ. બંધારણને નષ્ટ કરવાનો અર્થ એ થાય કે 90 ટકા વસ્તી ગુલામીમાં ધકેલાઇ રહી છે.