Mahakumbh માં શ્રદ્ધાનો મહાસાગર, પણ ભક્તોને કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલીઓનો સામનો
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં (Mahakumbh 2025) મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાં હાલ મહાકુંભમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ રહી છે. જેમાં સંગમ તરફ જઇ રહેલા રસ્તાઓ પર ભારે ભીડ દેખાઈ રહી છે. મોટા ભાગના રસ્તાઓ પર 10 કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી રહી છે. જેના પગલે વહીવટીતંત્રએ સંગમ સ્ટેશનને બંધ કરવાની ફરજ પડી છે. જેના લીધે શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરી શકાય.
અનેક રૂટ પર વાહનોની 10 કિલોમીટર લાંબી લાઇનો
આ ઉપરાંત પ્રયાગરાજ આવવાના અન્ય રોડ પર પણ વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના પગલે પ્રયાગરાજ જંકશન પર પણ ભીડને નિયંત્રિત કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. મહાકુંભમાં આવવા માટે વારાણસી, લખનૌ, કાનપુર અને રેવાથી આવતા રૂટ પર વાહનોની લગભગ 10 કિલોમીટર લાંબી લાઇનો લાગેલી છે. તો બીજી તરફ આ ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો પાસે પાણી અને ખોરાકની સુવિધા નથી. જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જ્યારે અમુક સ્થળોએ પોલીસ પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી રહી છે.
દૂધ અને દવાઓની અછત
આ ઉપરાંત પ્રયાગરાજમાં મહાકુંભ નગરના અનેક વિસ્તારોમાં દૂધની અછત જોવા મળી હતી. પ્રયાગરાજમાં શુકવારથી જ માલસામાન લઇ જતાં વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે વેપારીઓની રજુઆત બાદ પણ વાહનોને પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. જેના પગલે દૂધ અને દવાઓની અછત વર્તાઇ રહી છે.
આ પણ વાંચો : મહાકુંભઃ પૂર્ણિમા પૂર્વે પ્રયાગરાજ સ્ટેશન કરાયું બંધ, જાણો શા માટે લીધો નિર્ણય…
લોકો ટ્રેન અને ફ્લાઇટ ચૂકી ગયા
આ ઉપરાંત પ્રયાગરાજના આસ્થાની ડૂબકી લગાવીને પરત ફરી રહેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પરત ફરી રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાતા ટ્રેન અને ફ્લાઇટ ચૂકી ગયા હતા.