Kumbhmela-2025: જો પરિસ્થિતિઓ તમને મા ગંગા કિનારે ન જવા દે તો આ મંત્રજાપ કરો અને…
પ્રયાગરાજઃ મહાકુંભના મેળાની એક એક વાત તમને ભાવુક કરતી હશે અને તમને પણ ત્યાં જવાનું મન થતું હશે, પરંતુ બધા માટે શક્ય નથી હોતું કે ત્યાં જઈને ગંગાજીમાં ડૂબકી લગાવે. લાખો લોકો હજુ એવા છે જેમના હરવાફરવા કે તીર્થયાત્રાની ઈચ્છાઓ પૂરી થતી નથી. જે કોઈ ગંગામાં ડૂબકી ન લગાવી શકે તેમની માટે શાસ્ત્રોમાં પહેલેથી જ ઉપાય બતાવવામાં આવ્યા છ.જો તમારી પણ મહાકુંભમાં સ્નાન કરવાની ઈચ્છા હોય, પણ તમે ત્યાં જઈ શકો તેમ ન હોવ, તો શાસ્ત્રોમાં પણ તેના અનેક ઉપાયો છે. ગંગા નદીની સ્તુતિથી આ ઈચ્છા પૂર્ણ કરી શકાય છે .શાસ્ત્રોમાં કેટલાક મંત્રો છે, જેની ગાથા કરવાથી દરેક વિસ્તાર ગંગાતીર્થ અને દરેક જળ ગંગાજળ બની જાય છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે માં ગંગાએ પોતે વચન આપ્યું છે કે જ્યારે પણ તેમને કોઈ શુભ કાર્ય માટે બોલાવવામાં આવશે તો તે દરેક વ્યક્તિના કલ્યાણ અર્થે જરુર આવશે. તો ચાલો જાણીએ આ મંત્રો ક્યા છે અને તેનો કઈ રીતે જાપ કરવો.
- નદીઓને આહ્વાન કરવાનો મંત્ર
ગંગા નદીની સાથે યમુના અને સરસ્વતી નદી નો પણ શાસ્ત્રોમાં ઘણો મહિમા છે. ઉપરાંત ગોદાવરી, કાવેરી, સિંધુ અને નર્મદાને પણ ગંગાનો અવતાર કહેવામાં આવે છે. સંગમ એટલે ગંગા,યમુના અને સરસ્વતીનો સંગમ. આ ઉપરાંત ગંગાની જેમ આ બધી નદીઓ અલગ-અલગ સમયે બ્રહ્મદેવના કમંડળમાંથી નીકળી હોવાની માન્યતા છે. આ સાત નદીઓના સંગમને સપ્ત ધારા કહેવામાં આવે છે. આ તમામ નદીઓ માટે ખાસ મંત્ર છે જે ખૂબ જ અસરકારક છે તેથી સ્નાન કરતા પહેલા આ મંત્રનો જાપ કરવાનું ઘણા લોકો પવિત્ર માને છે. કુંભમેળામાં તમે ન જઈ શકાત હો તો ઘરે જ પવિત્રતાનો અનુભવ કરો.
गंगे च यमुने चैव गोदावरी सरस्वती ।
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु ॥
- ગંગા માતાને કરો પ્રાથના ગંગા શ્લોક પણ ખૂબ જ પવિત્ર છે. આ શ્લોકમાં માતા ગંગાની પવિત્રતાનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાયું છે કે ગંગા જળ ખૂબ પવિત્ર છે.આ જળ શ્રી વિષ્ણુના ચરણમાંથી નીકળ્યું છે, જેને ભગવાન શિવે મસ્તક પર ધારણ કર્યું છે
गंगां वारि मनोहारि मुरारिचरणच्युतं ।
त्रिपुरारिशिरश्चारि पापहारि पुनातु मां ।।
જે પાપોને હરાવવે, પાપોને દુર કરે છે. તેવી માતા ગંગા ,મારા પણ પાપ દૂર કરે. આ મંત્રનો જાપ કરવાથી માતા ગંગા તમારી નજીકના જળ સ્ત્રોતમાં જોડાઈ જશે, તેવી ભાવના લોકોમાં છે.
- ગંગાથી દૂર ગંગા સ્નાનનો લાભ લઈ શકાય
શ્લોકમાં કહેવાયું છે કે જે વ્યક્તિ હજારો માઈલ દૂરથી પણ ગંગાજીનો જાપ કરે છે તો તેના તમામ પાપ દૂર થઈ જાય છે અને અંતમાં તે વિષ્ણુલોકમાં જાય છે. આ શ્લોક દ્વારા જણાવવામાં આવ્યું છે કે માતા ગંગા એટલી દયાળુ છે કે તે પોતાના પુત્ર અને તેના ભક્તોના એકવાર બોલાવવાથી પણ હાજર થઈ જાય છે.
गंगा गंगेति यो ब्रूयात, योजनानां शतैरपि।
मुच्यते सर्वपापेभ्यो, विष्णुलोके स गच्छति॥
જો કોઈ વ્યક્તિ ગંગાના કિનારે આવી શકતો ન હોય, તો માતા ગંગા તેની પાસે જાય છે અને તેને પાપમાંથી મુક્ત કરે છે અને શીતળતા આપે છે. સ્નાન કરતી વખતે આ શ્લોક મંત્રનો જાપ કરો.
ॐ कालिन्दि यमुने जय श्रीकृष्णप्रियाङ्कुरे।
व्रजवासिनि विश्वजनि पुण्यतोये नमोऽस्तु ते।
હે કાલિંદી યમુના નદી તમારા પવિત્ર જળથી સંસારના જીવો પવિત્ર અને પાપમુક્ત બને છે. હું તમને નમન કરું છું, હું તમને નમન કરું છું. કૃપા કરીને મને દર્શન આપો, તેમ આ શ્લોક કહે છે.
- ॐ त्रिवेणी संगमे देवि संगमेश्वर पूजिते।
स्नानकाले कुरु कृपा पापक्षय करो भवेत्॥
હે ત્રિવેણી સંગમમાંના દેવી તમે સંગમેશ્વર દ્વારા પૂજવામાં આવો છે. સ્નાન વખતે કૃપા કરીને તમારા આશીર્વાદ આપો. આ મંત્ર ત્રિવેણી સંગમની દેવીનું આહ્વાન કરે છે.આ મંત્ર ભક્તિ અને આત્મશુદ્ધિનું પ્રતીક છે.
માત્ર ગંગા-યમુના જ નહીં પરંતુ શાસ્ત્રમાં સાત નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરે છે. સ્નાન કરતી વખતે આ નદીઓનું સ્મરણ કરવાથી તમને દરેક રીતે આશીર્વાદ મળે છે. જે માટે એક મંત્ર છે
ॐ गंगे च यमुने चैव, कावेरी सरस्वति।
शतद्रुश्च महानद्या, गोदावरी महाबला।
सर्वे तीर्थाः समुद्भूता, हेमकूटनिवासिनः।
स्नानेन प्रीयतां नित्यं, सर्वपापप्रणाशिनः॥
Also read :મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा।
यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः॥
કોઈ પણ જીવ અશુદ્ધ હોય કે શુદ્ધ તે ભગવાન વિષ્ણુને યાદ કરે તો તે બાહ્ય અને આંતરિક રીતે શુદ્ધ થઈ જાય છે. આ મંત્ર નો ઉપયોગ ઘરમાં પૂજા કરતા પહેલા શુદ્ધિકરણ માટે પણ થાય છે.
વિશેષ નોંધઃ આ માહિતી અમે અમારા સંશોધન અનુસાર આપી છે, તમે તમારા નિષ્ણાતની સલાહ અનુસાર કરી શકો છો.