પ્રાર્થના કરો કારણ કે ટનલમાં ફસાયેલા મજૂરોની હિંમત તૂટી રહી છે
14 દિવસથી સૂર્યના પ્રકાશ કે તાજી હવા ન જોઈ હોય અને અંધારી ટનલમાં ફસાઈ ગયા હોય તેવી કલ્પના પણ ધ્રુજાવી દે છે ત્યારે ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા મજૂરોને આપણા સૌની પ્રાર્થનાની જરૂર છે કારણ કે હવે તેઓ ધીમે ધીમે હિંમત હારી રહ્યા છે, નિરાશ થઈ રહ્યા છે અને ધૈર્ય ખોઈ બેઠા છે. બીજી બાજુ બહાર તેમના પરિવારની હાલત પણ એટલી કફોડી છે. જોકે માત્ર એટલું જ નહીં, સિલ્ક્યારા ટનલમાં ઓગર મશીન ફસાઈ જવાને કારણે બચાવ કામગીરીમાં લાગેલા અધિકારીઓના મોઢા પડી ગયા છે. કામદારો છેલ્લા 14 દિવસથી ટનલમાંથી બહાર આવવાની આશા સેવી રહ્યા છે, પરંતુ કામગીરીમાં વારંવાર અવરોધોનો તેમની હિંમત તોડી રહ્યા છે.
શનિવારે સુરંગમાં ફસાઈ ગયેલા વીરેન્દ્રની ભાભી સુનીતાએ કહ્યું કે હવે વીરેન્દ્ર નાસીપાસ થઈ રહ્યો છે. તે વાત કરતા કરતા રડી પડે છે. તેની ચિંતામાં અમે પણ ભૂખ્યા રહીએ છીએ અને ઊંઘી શકતા નથી. બાકીના કામદારો પણ ખૂબ જ ચિંતિત અને નિરાશ હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ અમને વાતચીત કરવા માટે પણ કલાકો સુધી પરવાનગીની રાહ જોવી પડે છે.
આ સાથે શનિવારે સિલ્ક્યારા ટનલના ઉપરના ભાગમાં પાણીના લીકેજને કારણે ચિંતા પણ વધી રહી છે. 14 દિવસથી સુરંગમાં ફસાયેલા મજૂરોને પ્રશાસન બહાર કાઢી શક્યું નથી આ વાતથી હવે પરિવારજનો પણ રોષે ભરાયા છે.
ટનલ એક્સપર્ટ કર્નલ પરીક્ષિત મહેરાએ કહ્યું કે ઓગર મશીનની ઓગર બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં થોડો સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઓગરને બહાર કાઢવાની સાથે જ ફરીથી ડ્રિલિંગનો પ્રયાસ કરવામાં આવશે.
તે જ સમયે, સીએમ ધામીનું કહેવું છે કે તમામ કામદારો ઠીક છે. કામદારો સાથે વાત કરી, તેઓ ઠીક છે. હૈદરાબાદથી કટર લાવવામાં આવી રહ્યું છે અને પ્લાઝમા કટર પણ મંગાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર ધ્યાન કામદારોને બહાર કાઢવા પર છે. આવતીકાલ સુધીમાં મશીનના તૂટેલા પાર્ટસ કાઢી નાખવામાં આવશે. વર્ટિકલ ડ્રિલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.
ઓગર મશીન ફસાઈ ગયા બાદ તેને કાપવાની કામગીરી ચાલી રહી છે. મશીનના ઓગરનો 45 મીટર ભાગ ફસાઈ ગયો હતો. જેને 20 મીટર સુધી કાપીને બહાર કાઢવામાં આવ્યો છે. હજુ 25 મીટર દૂર કરવાના બાકી છે, તેવી જાણકારી હાલ મળી છે. ટેકનોલોજી અને નિષ્ણાતો તેમનું કામ કરી રહ્યા છે ત્યારે આ 41 મજૂરને આપણી પ્રાર્થનાની પણ એટલી જ જરૂર છે.